સુરતમાં બકરી ઈદની ધૂમધામથી ઉજવણી
ઈદગાહ પર નમાઝ અદા કરી એકબીજાને પાઠવી મુબારકબાદી
આજે દેશભરમાં બકરી ઇદનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. સુરતમાં બકરી ઈદને ઈદ-ઉલ-અઝહા, ઈદ ઉલ ઝુહા અથવા ઈદ ઉલ બકરા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારને બલિદાન અને માનવતાનું પ્રતીક માનવામાં આવે છે. ઇસ્લામમાં તેને ‘કુરબાનીનો તહેવાર’ પણ કહેવામાં આવે છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ, દર વર્ષે ઈદની તારીખ ચંદ્રની સ્થિતિ પર આધારિત હોય છે.
ઈદ-ઉલ-અઝહાની વાર્તા હઝરત ઈબ્રાહિમ સાથે સંબંધિત છે, જેમાં તેઓ અલ્લાહના આદેશ પર પોતાના પુત્ર હઝરત ઈસ્માઈલનું બલિદાન આપવા તૈયાર થયા હતા. પણ ઇશ્વરે તેમને એક પ્રાણી આપ્યું હતું. તેથી આ દિવસે બકરી, ઘેટાં અથવા અન્ય પ્રાણીનું બલિદાન આપવામાં આવે છે. બકરી ઇદ પર સૌથી મહત્વપૂર્ણ વિધિ ‘કુર્બાન’ છે. આ કુરબાની દ્વારા સંદેશ આપવામાં આવે છે કે, અલ્લાહના નામે કંઈપણ કુરબાન કરવાની હિંમત રાખવી જોઈએ. ઐયુબભાઈએ કહ્યું કે, ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદ માત્ર એક ધાર્મિક તહેવાર નથી પણ ખુશી અને સંવાદિતાનું પ્રતીક પણ છે. ભારત સહિત ઘણા દેશોમાં બકરી ઇદનો દિવસ ઇદની નમાઝથી શરૂ થાય છે. આ દિવસે મુસ્લિમ લોકો નવા કપડાં પહેરે છે, એકબીજાને ‘ઈદ મુબારક’ની શુભેચ્છા પાઠવે છે, અને ભેટો અને મીઠાઈઓ વહેંચે છે. ઉપરાંત, ઈદના અવસર પર ગરીબોને દાન આપવામાં આવે છે. સાઉદી અરબના લોકો બકરી ઇદ એક દિવસ વહેલા ઉજવે છે, જ્યારે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મલેશિયામાં આ તહેવાર બીજા દિવસે ઉજવવામાં આવે છે.