બારડોલીના કડોદ ગામના પિતા પુત્રી નો નેપાળ ખાતે ગુમ થવાનો મામલો
બંને પિતા પુત્રી ના બરફ માંથી મળી આવ્યા મૃતદેહ
બંને પિતા અને પુત્રી ૧૪ તારીખના રોજ ટ્રેકીંગ માટે નેપાળ ગયા હતા
ભારે હિમ વર્ષાને કારણે બંને સંપર્ક વિહોણા થયા હતા
આજરોજ શોધખોળ દરમ્યાન બંને ના મૃતદેહ મળી આવ્યા
બારડોલી : નેપાળના મનાંગ વિસ્તારમાં ગત 21 ઓક્ટોબર થી ગુમ થયેલા પિતાપુત્રીના મૃતદેહ રવિવારના રોજ મળી આવ્યા છે. જેને લઈને કડોદ પંથકમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે.
જિગ્નેશકુમાર લલ્લુભાઈ પટેલ અને તેમની ૧૭ વર્ષીય પુત્રી પ્રિયન્સાકુમારી પટેલ ગત 14મી ઓક્ટોબરના રોજ કડોદથી નેપાળ જવા માટે નીકળ્યા હતા. આ પિતા-પુત્રી મનાંગમાં એક હોટેલમાં રોકાયા હતા અને 21મી ઓક્ટોબર રોજ ટ્રેકિંગ માટે રવાના થયા હતા. 31મી ઓક્ટોબરના રોજ તેઓ પરત ફરવાના હતા જો કે, 21મી થી જ તેઓ અચાનક સંપર્કવિહીન થઈ ગયા હતા. તેઓ ગુમ થતાં, હોટેલ દ્વારા તાત્કાલિક સશસ્ત્ર પોલીસ દળ, નેપાળ પર્વતીય બચાવ તાલીમ એકેડમી મનાંગને જાણ કરવામાં આવી હતી. શરૂઆતમાં એકેડમીએ શોધખોળ કરી હતી, પરંતુ તેઓ મળ્યા ન હતા. ત્યારબાદ, રવિવારના રોજ, સશસ્ત્ર પોલીસ નાયબ અધિક્ષક હિરાબહાદુર જીસીના કમાન્ડ હેઠળ બચાવ સામગ્રી સાથેની એક વિશેષ ટુકડીને ફરીથી શોધખોળ માટે મોકલવામાં આવી હતી. સશસ્ત્ર પોલીસ દળના સહ-પ્રવક્તા અને ડીએસપી શૈલેન્દ્ર થાપાએ માહિતી આપી હતી કે માઉન્ટેન રેસ્ક્યુની તાલીમ પામેલી આ ટીમે આકસ્મિક રીતે તેમના મૃતદેહ એક ગુમ્બાથી લગભગ સો મીટર ઉપરના વિસ્તારમાં શોધી કાઢ્યા હતા. પ્રતિકૂળ હવામાન અને ભારે હિમવર્ષાને કારણે મૃતદેહો બરફ નીચે દટાયેલી હાલતમાં મળી આવ્યા હતા. સશસ્ત્ર પોલીસે રવિવારે બપોરે લગભગ ૨ વાગ્યે મૃતદેહોને બહાર કાઢ્યા હતા.આ ઘટનાથી પહાડી વિસ્તારમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓની સુરક્ષા પર ફરી સવાલો ઊભા થયા છે..
