જૂનાગઢમાં બોગસ જીપીસીબી અધિકારી-પત્રકાર બની તોડબાજી
કારખાનેદારો પાસેથી રૂપિયા પડાવતી ટોળકી ઝડપાઈ
પોલીસે 3 આરોપીને ઝડપી લીધા અને 2 હજુ ફરાર
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ આવતા જીઆઈડીસી વિસ્તારમાં વેપારીઓને ડરાવી-ધમકાવીને બળજબરીપૂર્વક નાણાં પડાવતી એક શાતિર તોડબાજ ટોળકીનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કર્યો છે.
જૂનાગઢ તાલુકા આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને જેતપુરના ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય બે ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં અજય જયસિંગભાઈ જાદવ, હેમંત મનસુખ શેખવા અને વિજય બહાદુર રામગરીબ વર્મા (તમામ રહે. જેતપુર)નો સમાવેશ થાય છે. આ ટોળકી GIDCના કારખાનાઓમાં જઈને પોતાને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ અને મીડિયાકર્મી બતાવીને તોડબાજી આચરતી હતી. જૂનાગઢ જિલ્લા એસ.પી. સુબોધ ઓડેદરાના જણાવ્યા મુજબ, બે દિવસ પહેલાં GIDC વિસ્તારના કેટલાક વેપારીઓ તાલુકા પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવ્યા હતા. વેપારીઓએ આપવીતી જણાવતા કહ્યું હતું કે, શંકાસ્પદ શખસો કારખાનાઓમાં આવી પોતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ અને પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ હોવાની ખોટી ઓળખ આપતા હતા.
આરોપીઓ વેપારીઓને એવું કહીને ધમકાવતા હતા કે, “તમારા કારખાનામાંથી કેમિકલયુક્ત દૂષિત પાણી બહાર છોડવામાં આવે છે, જેનાથી એક વ્યક્તિનું મોત થયું છે.” આવી ધમકીઓ આપી ફેક્ટરીઓ બંધ કરાવી દેવાની અને જેલભેગા કરવાની બીક બતાવીને મોટી રકમની માંગણી કરતા હતા. વેપારીઓને શંકા જતાં તેઓએ તાલુકા પીઆઈનો સંપર્ક કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે છેલ્લા 10થી 15 દિવસમાં આ ટોળકીએ અનેક વેપારીઓ પાસેથી લાખો પડાવ્યા છે. જેમાં ગત 6 ઓગસ્ટ, 2026ના રોજ એક વેપારી પાસેથી 21000, 5 ઓગસ્ટે 10,000 તથા અન્ય સ્થળોએથી 5,000 અને 15,000 જેવી રકમો બળજબરીથી કઢાવી લીધી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
