સુરતના ઉધના એસટી ડેપોમાં ઓટોમેટિક વોશિંગ મશીન
બસ ધોવાનું કામ હવે માત્ર 10 મિનિટમાં થશે.
ગુજરાતના 80 માંથી 33 એસટી ડેપોમાં ઓટોમેટિક વોશિંગ મશીન
સુરતના ઉધના એસટી ડેપોમાં ઓટોમેટિક વોશિંગ મશીનનો શુભારંભ કરાયુ છે જેથી બસ ધોવાનું કામ હવે માત્ર 10 મિનિટમાં થશે. ગુજરાતના 80 માંથી 33 એસટી ડેપોમાં પ્રથમ તબક્કામાં ઓટોમેટિક વોશિંગ મશીન લાગશે તો સુરત વિભાગ મોડેલ તરીકે ઊભર્યો છે.
ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા એસટી બસોના ધોવાની પ્રક્રિયામાં નવીનતા લાવવામાં આવી છે. ઉધના એસટી ડેપોમાં પહેલું ઓટોમેટિક વોશિંગ મશીન કાર્યરત કરવામાં આવ્યું છે. કુલ 14.75 લાખ રૂપિયાની કિંમત ધરાવતું આ મશીન હવે બસ ધોવાનું કામ ફક્ત 5 થી 10 મિનિટમાં કરી રહી છે. જ્યારે અગાઉ આ કામગીરીમાં અંદાજિત દોઢ કલાકનો સમય અને વધુ કર્મચારીઓની જરૂર પડતી હતી. સુરત વિભાગના અધિકારી પી.વી. ગુર્જરે જણાવ્યું કે, ઓટોમેટિક સિસ્ટમથી હવે સફાઈ ઝડપી, અસરકારક અને મજૂર બચતવાળી બની છે. કામદારો હવે ફક્ત મશીનની દેખરેખ રાખે છે.સુરત ઉપરાંત ઓલપાડ, બારડોલી, માંડવી અને સોનગઢ એસટી ડેપોમાં પણ આવું જ મશીન લાગશે. ઓટોમેટિક વોશિંગ મશીનમાં ત્રણ બ્રશ અને હાઇ પ્રેશર વોટર જેટની સુવિધા છે, જે બસની બંને બાજુ, આગળ, પાછળ, છત અને નીચેના ભાગને સાફ કરે છે. બસ ટ્રેકમાં પ્રવેશતાની સાથે જ સેન્સર તેને શોધી લે છે, અને બ્રશ તેમજ વોટર જેટ આપમેળે સક્રિય થઈ જાય છે. આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટિક છે, જેમાં કર્મચારીઓ માત્ર દેખરેખ અને સિસ્ટમ સંચાલન માટે જરૂરી હોય છે. આ મશીનની મદદથી બસના સાઇડ પેનલ, કાચ, અંડરબોડી અને અન્ય ભાગો થોડી સેકન્ડોમાં સાફ થઈ જાય છે. આ આધુનિક ટેકનોલોજી ગુજરાતના પરિવહન વિભાગને વધુ કાર્યક્ષમ અને ખર્ચ-બચત બનાવવામાં મદદ કરશે, જેનો લાભ મુસાફરોને પણ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બસોના રૂપમાં મળશે.