સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
3 કરોડથી વધુની રકમ ન મળતા ઝેરી દવા પી
દીકરાને હોસ્પિટલમાં મરણ પથારીએ જોઈ માતાએ પણ ઝેર ગટગટાવ્યું

સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર હોટ ફિક્સ મશીનનું કામ કરતા 32 વર્ષીય યુવાને અન્ય વેપારી પાસે લેવાના નીકળતા 3 કરોડથી વધુની રકમ ન મળતા અને સામેથી પોલીસ કેસની ધમકી મળતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. કરૂણતા તો એ છે કે દીકરાને હોસ્પિટલમાં મરણ પથારીએ જોઈ માતાએ પણ ઝેર ગટગટાવી લેતા ચકચાર મચી છે.

સુરત શહેરના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા મોદી મહોલ્લામાં ગોડાઉન ધરાવતા 32 વર્ષીય યુવાન વેપારી હોટ ફિક્સ મશીનનું જોબવર્ક કરતા હતા. તેમણે એક કાપડ વેપારીને ત્યાં મોટું કામ કર્યું હતું, જેના પેટે કુલ 3 કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી. લાંબા સમયની ઉઘરાણી બાદ સામા પક્ષે માત્ર 71 લાખ જ ચૂકવ્યા હતા. બાકીના અઢી કરોડથી વધુ રૂપિયા માટે યુવાન જ્યારે પણ ઉઘરાણી કરતો, ત્યારે તેને વાયદાઓ આપવામાં આવતા હતા. ગઈકાલે કાપડ વેપારીએ ભોગ બનનાર યુવાનને પોલીસ મથકે બોલાવ્યો હતો. યુવાનને આશા હતી કે અહીં તેના નાણાંનો નિકાલ આવશે, પરંતુ તેના બદલે કાપડ વેપારીએ ઉદ્ધત વર્તન કરી તારા પર કેસ કરી દઈશ અને જેલમાં મોકલી દઈશ તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ છે. આ માનસિક ત્રાસ સહન ન થતા યુવાને ત્યાં જ ઝેરી દવા પી લીધી હતી. યુવાનની તબિયત લથડતા તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પરિવાર હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોતાના એકના એક જુવાનજોધ દીકરાને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો જોઈ માતા ભાંગી પડી હતી. તેમણે પણ ઝેરી દવા પી લેતા તબીબોમાં દોડધામ મચી ગઈ હતી. હાલ માતા અને પુત્ર બંનેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટનાને પગલે પોલીસનો કાફલો સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે પ્રાથમિક વિગતો નોંધીને જે કાપડ વેપારીએ નાણાં ઓળવી લીધા છે તેની વિગતો એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે. વેપારીના પરિવારજનોના નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. દવા ગટગટાવી લેનાર વેપારીએ હોસ્પિટલમાં જણાવ્યું હતું કે, પેલા વેપારીએ મારી જોડે ફ્રોડ કર્યું. મારી પાસેથી ચેક લીધા હતા. ચેકમાં ખોટી એમાઉન્ટ નાખીને બધી ભરી દીધી. મારે એને 5 લાખ રૂપિયા દેવાના હતા. એની જગ્યાએ બધામાં અલગ અલગ રકમ લખીને એણે ચેક ડિપોઝિટ કર્યા. વેપારીએ દાબ-ધમકીથી બધા ભાવ ભરાવી લીધા અને મને જે ભાવ ભરવાનો હતો એ આપ્યો નહીં. અત્યારે મારે એની પાસેથી 3 કરોડ રૂપિયા લેવાના છે. એણે મને 71 લાખ રૂપિયા આપ્યા. પછી મને હિસાબ જ નથી કરાવ્યો, મારા ચલણ પણ નથી આપતા. બધા ચલણ ઓરિજનલ, ઝેરોક્સ બધું એની પાસે રાખ્યું છે. મને કંઈ વસ્તુ આપતા જ નથી. હું જાઉં છું તો કહે છે બધો હિસાબ પૂરો થઈ ગયો. વેપારી સિવાય બીજા કોઈનું પ્રેશર નહોતું મને. અન્ય ખાતાવાળા તો મારી જોડે બધા સપોર્ટમાં ઉભા છે. એ બધા તો કહેતા હતા કે અમે આવીએ બધા, વેપારીમાં આવીએ બધા તમારી જોડે. ત્રાસ આપનાર વેપારીનું આશિષભાઈ શાહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *