તમામ આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું.
હત્યાનો બદલો લેવા માટે 12 શખ્સોએ ત્રણ રહેણાંક મકાનોમાં આગ લગાડી દીધી
ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલી મહાકાળી વસાહતમાં એક ગંભીર ઘટના સામે આવી છે. અગાઉની હત્યાનો બદલો લેવા માટે 12 શખ્સોએ ત્રણ રહેણાંક મકાનોમાં આગ લગાડી દીધી છે. આરોપીઓએ સોડા બોટલમાં જ્વલનશીલ પ્રવાહી ભરીને મકાનોને સળગાવ્યા હતા.
ફરિયાદ મુજબ, નરશી પરશોત્તમભાઈ જાદવની હત્યા થઈ હતી. આ હત્યાનો બદલો લેવા માટે તેના સાળા કરણ કિશોરભાઈ વાજા અને વિજય કિશોરભાઈ વાજાની આગેવાનીમાં હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ પહેલા ઘર પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ જ્વલનશીલ પદાર્થથી મકાનમાં આગ લગાડી દીધી હતી. આગમાં ઘરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનામાં અંદાજે 3 લાખ રૂપિયાનું નુકશાન થયું છે. અન્ય આરોપીઓમાં રવી રમણીકભાઈ, જીતેશ ઉર્ફે જી.જી. રમણભાઈ રાઠોડ, હિતેશ વેગડ, વિશાલ ધરજીયા, કાળો ગફાર, પોપટ ધીરૂ બાંભણીયા, જીતેન્દ્ર બટુકભાઈ રાઠોડ, રાકેશ રમેશભાઈ રાઠોડ અને રોહન મુકેશભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. ફરિયાદીએ જણાવ્યું છે કે તેઓ અજાણ્યા આરોપીઓને ઓળખી શકે તેમ છે.
ઘટના અંગે ઘોઘા રોડ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે 12 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને 8 શખ્સોની ધરપકડ કરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી