સુરતમાં ફરી એક કરૂણાંતિકા સર્જાઈ
સરથાણા ખાતે આવેલહોટેલના રૂમમાં દંપતિએ ઝેરી દવા પીઘી
પત્નિનુ મોત નિપજ્યુ હતુ જ્યારે પતિની હાલત ગંભીર
સુરતમાં ફરી એક કરૂણાંતિકા સર્જાઈ હતી જેમાં સરથાણા ખાતે આવેલી લા મરીના હોટેલના રૂમમાં રોકાયેલ દંપતિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા બન્નેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં પત્નિનુ મોત નિપજ્યુ હતુ જ્યારે પતિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે. જો કે દંપતિએ ભરેલા પગલા અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં સીમાડા સિલ્વર બિઝનેસ હબમાં આવેલી લા મરીના હોટેલના એક રૂમમાં એક દંપતીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. રૂમમાં બંનેએ ઝેરી દવા ગટગટાવી લેતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ હોટેલ સ્ટાફ અને સ્થાનિક લોકોમાં ભારે ચકચાર જાગી છે. હોટેલના રૂમમાં ઝેરી દવા પી લેવાને કારણે દંપતી પૈકી પત્નીનું મોત નીપજ્યું છે. જ્યારે પતિની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પતિને તાત્કાલિક અસરથી નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તે જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. તો બીજી તરફ ઘટના જાણ થતા જ સરથાણા પોલીસ સ્ટેશનની ટીમ તાબડતોબ સિલ્વર બિઝનેસ હબ સ્થિત લા મરીના હોટેલ પર પહોંચી ગઈ હતી. પોલીસે હોટેલના રૂમને પોતાના કબજામાં લઈને પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
એફએસએલની મદદથી પણ રૂમમાંથી પુરાવા એકત્રિત કરવાની તજવીજ શરૂ કરાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર દંપતીએ કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. તેઓ ક્યાંના રહેવાસી હતા અને હોટેલમાં ક્યારે આવ્યા હતા તે અંગે હોટેલના રજિસ્ટર અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ ચાલી રહી છે. પારિવારિક, આર્થિક કારણોસર કે અન્ય કયાં કારણસર આ પગલું ભરાયું તે પતિ ભાનમાં આવ્યા બાદ અથવા પરિવારજનોની પૂછપરછ પછી જ સ્પષ્ટ થશે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
