બેંકની કિટો દુબઈ મોકલવાના રેકેટમાં અનિલ ખેની પકડાયો
ભારતીય બેંકોમાંથી પૈસા વિડ્રો કરી દુબઈમાં મિલન દરજીને પહોંચાડતો,
7 મહિના પહેલાં આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો હતો
ડિજિટલ એરેસ્ટ, ઓનલાઈન હનીટ્રેપ, સેક્સટોર્શન સહિતના સાયબર ફ્રોડ માટે બેંકની કિટો દુબઈ મોકલવાના રેકેટમાં સાયબર સેલે મુખ્ય સૂત્રધાર મિલન દરજીના ખાશ સાગરિતને ઝડપી પાડ્યો છે.
સુરત સાયબર સેલે ૭ માસ પહેલાં સરથાણા અને મોટા વરાછા સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં સાયબર ગેંગને બેન્ક એકાઉન્ટ અને સિમકાર્ડ ભાડે આપવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. દુબઇમાં બેસી સુરતનો મિલન ઉર્ફે દરજી સુરેશ વાઘેલા અને વિવેક ઉર્ફે મારુતિ મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું હતું. દુબઇમાં ચાઇનીઝ ગેંગ ભારતીયોને નોકરી પર રાખી લોકો સાથે સાયબર છેતરપિંડી કરતી હતી. આ નાણાં જમા લેવા ભારતીય બેંક એકાઉન્ટની જરૂરિયાત પડતી હોઇ મિલન અને વિવેકને એકાઉન્ટ પૂરા પાડતા હતા. તે માટે તેમણે સુરતમાં રહેતા અજય ઇટાલિયા. હિરેન બાબરીયા, વિશાલ ઠુમ્મર અને જલ્પેશ નડિયાદરા અને કેતન વેકરિયાને રોક્યા હતા. આ રેકેટમાં સાયબર સેલે તમિલનાડુના યુવક સહિત ૧૦ની અત્યાર સુધી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મિલન દરજીના ઈશારે તેના સાગરીતો સુરત, નવસારી, ભાવનગરમાં ફરી લોકો પાસેથી ૧૦થી ૧૫ હજાર રૂપિયામાં એકાઉન્ટ લઈ આવતા. એજન્ટને તેની ટકાવારી આપી મિલનનો સંપર્ક કરાતો હતો. સાયબર સેલે આ ગુનામાં અનિલ નાનુભાઈ ખેનીની ધરપકડ કરી હતી. વોન્ટેડ આરોપી મિલન દરજીના ઇશારે અનિલ દુબઇ ખાતે રહી પીઓએસ મશીન દ્વારા દિરામ વિડ્રોલ કરવાનું કામ કરતો હતો. તેને બેંક કીટો કિંમશનથી મેળવી દુબઇ મિલન દરજીને આપી હતી.