ગાંધીકુટી ઓવરબ્રિજ નીચે ખુલ્લી કુંડી બની જોખમી
કુંડીમાં ગાય ખાબકતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢી
સુરત મનપાના બેજવાબદાર કર્મચારીઓની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો હોય તેમ ગાંધીકુટી ઓવરબ્રિજ નીચે ખુલ્લી કુંડી રાહદારીઓ અને સ્થાનિકો માટે જોખમી બની છે. ખુલ્લી કુંડીમાં ગાય પડી જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ગાયને સલામત બહાર કાઢી હતી.
પાંડેસરા ખાતે આવેલ ગાંધીકુટી ઓવરબ્રિજ નીચે આવેલી કુંડીનું ઢાંકણું છેલ્લા એક મહિનાથી ખુલ્લું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ કુંડી અંદાજે 5થી 5.5 ફૂટ ઊંડી છે. ખુલ્લી કુંડીમાં અચાનક ગાય પડી જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને રેસ્ક્યુ કરી ગાયને કુંડીમાંથી બહાર કાઢી હતી. ગાયની ઘટના બાદ હવે સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું કોઈ બાળક કે રાહદારી કુંડીમાં પડે અને મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે એસએમસી તંત્ર? સ્થાનિકોએ મોટી દુર્ઘટના બને તે પહેલાં તાત્કાલિક કુંડી પર ઢાંકણું લગાવવાની માંગ કરી છે. સાથે જ એસએમસી તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
