ઓલપાડ પોલીસે માસમા-ઓરમાથી ગેસ રીફીલિંગ કૌભાંડ ઝડપ્યું
પોલીસે ચંદન ગેસ સર્વિસ નામના ગેસ રીફીલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું
ગેરકાયદેસર રીતે રીફીલિંગ કરી રહેલા આરોપીઓ પૈકી એકની ધરપકડ કરી
ઓલપાડ પોલીસે ઓરમા રોડ ઉપર આવેલ ચંદન ગેસ સર્વિસ નામના ઇન્ડેન ગેસના ગોડાઉનમાં છાપો મારી રાંધણ ગેસની બોટલોમાંથી ગેરકાયદેસર રીતે રીફીલિંગ કરી રહેલા આરોપીઓ પૈકી એકની ધરપકડ કરી છે અને ગુનામાં સંડોવાયેલ અન્ય સાગરીતોને વોન્ટેડ જાહેર કરી કુલ રૂ.૨૫.૪૭ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.
ઓલપાડ તાલુકાના માસમા-ઓરમા ગામ તરફ જતાં રોડને અડીને ચંદન ગેસ સર્વિસ નામનો ઇન્ડેન ગેસ કંપનીની એજન્સીનું ગોડાઉન આવેલ છે ઓલપાડ પોલીસ મથકના પીઆઇ સી.આર.જાદવને બાતમી મળી હતી કે, આ એજન્સીના માલિકો તથા તેના સાગરીતો દ્વારા ગોડાઉનમાં મુકેલ ઘરેલું રાંધણગેસની સીલબંધ બોટલોના સીલ સાથે ચેડા કરી તેમાંથી અન્ય ખાલી બોટલોમાં ગેસ રીફીલિંગ કરી ગેસનો જથ્થો કાઢી ગ્રાહકોને વેચાણ કરી રહ્યા છે.
આ બાતમીના પગલે પોલીસ ટીમે ચંદન ગેસ એજન્સીના ગોડાઉન ઉપર છાપો માર્યો હતો.તે દરમ્યાન ગોડાઉનમાં હાજર મુળ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાનો વતની પ્રવિણ સુરેશ વસાવા (હાલ રહે. માસમા,ચંદન ગેસ એજન્સી) પોતે સીલબંધ ગેસની ઘરેલું રાંધણગેસ તથા કોમર્શીયલ ગેસની બોટલોના સીલ તોડી ગેસનું રીફલિંગ અન્ય બોટલમાં કરી બોટલો ફરી સીલ કરી રહ્યો હતો.જેથી પોલીસે તેની કુલ રૂપિયા ૨૫,૪૭,૦૪૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ગુનામાં સંડોવાયેલ અન્ય સાગરીતોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….