રાજકોટ ભક્તિનગર વિસ્તારમાં અજેન્દ્ર ડેરીના નમૂના ફેલ.
પનીરના નમૂના ફેલ થતા 1 લાખનો દંડ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો.
લેબલિંગ નહીં કરેલો પનીરનો જથ્થો આરોગ્ય વિભાગ દ્વારા કબ્જે કર્યો
રાજ્યમાં ભેળસેળ અને અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાવાનો સિલસિલો યથાવત છે. ત્યારે રાજકોટમાં આરોગ્ય વિભાગની તપાસમાં લેબલિંગ નહીં કરેલો પનીરનો જથ્થો આરોગ્ય વિભાગ દ્વારા કબ્જે કરાયો છે.
રાજકોટના ભક્તિનગરની અજેન્દ્ર ડેરીનાં ગોડાઉનમાં આરોગ્ય વિભાગે તપાસ કરતા પનીરનો 30 કિલો જથ્થો લેબલિંગ કર્યા વિના રાખેલો મળી આવતા જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ પનીરનાં નમૂનાને પણ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. અને વેપારીને હાઇજેનિક કંડીશન જાળવવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે. મહાપાલિકાનાં અધિકારી સી.ડી.વાઘેલાએ જણાવ્યું હતું કે, રાજકોટ મનપાનાં આરોગ્ય વિભાગની ટીમે ભક્તિનગર વિસ્તારમાં અજેન્દ્ર ડેરીનાં ગોડાઉનમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા અહીં પનીરનો 30 કિલો જથ્થો કોઈ પ્રકારના લેબલિંગ જેમ કે, મેન્યુફેક્ચરિંગ ડેટ ઉપરાંત એક્સપયારી ડેટ વિના રાખેલો મળી આવ્યો હતો. જેને પગલે હાલ તમામ જથ્થો કબ્જે લઈ તેના નમુના ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ કોઈપણ પ્રકારની ભેળસેળ હોવાનું ખુલશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યમાં આખુ વર્ષ ભેળસેળિયા તત્ત્વો સક્રિય હોય છે છતાં તહેવારો સમયે જ સક્રિય થઇને તપાસ કરતા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં દરોડો પાડીને કરોડો રૂપિયાનો શંકાસ્પદ ખાદ્ય ચીજ વસ્તુનો જથ્થો જપ્ત કરવામાં આવે છે. જો કે ભેળસેળિયા તત્વોને તંત્રનો કોઇ ડર ન હોય તેમ તહેવારો સમયે જ મીઠાઇ બનાવવા ઉપયોગમાં લેવાતા માવામાં, ફ્રૂટ પલ્પ અને પનીર સહિત અન્ય ખાદ્ય સામગ્રીમાં હજુ પણ બેફામ થઇને ભેળસેળ કરી રહ્યા છે. તેના કારણે નાગરિકોને રોગચાળોનો ભોગ બનવાનો વારો આવે છે. ત્યારે રાજકોટમાં આરોગ્ય વિભાગે યોગ્ય લેબલિંગ નહીં હોવાને કારણે 30 કિલો પનીર કબ્જે લીધું છે. અને વેપારીને યોગ્ય લેબલિંગ કરવા તેમજ હાઇજેનિક કંડીશન જાળવવા નોટિસ ફટકારી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી રાજકોટ