રાજકોટમાં અશાંતધારો લાગુ કરવાની માગ
વર્ધમાનનગરમાં શેરી નંબર 6 માં હાલ ભારે તણાવનો માહોલ
વિધર્મીઓઓને મકાન વેચવા કે ભાડે આપવા પર પ્રતિબંધનાં બેનરો લાગ્યાં
રાજકોટના પોશ ગણાતા વર્ધમાનનગર વિસ્તારમાં શેરી નંબર 6 માં હાલ ભારે તણાવનો માહોલ છે. અહીંના સ્થાનિક રહેવાસીઓએ પોતાના ઘરો પર સ્પષ્ટ શબ્દોમાં બેનરો લગાવ્યા છે કે, વિધર્મીઓ અને પરપ્રાંતીયોએ મકાન લેવા નહીં અને સ્થાનિકોએ વેચવા નહીં. આ બેનરો દ્વારા સ્થાનિકોએ પરપ્રાંતીય અને વિધર્મીઓને મકાન ભાડે આપવા કે વેચાણથી ન આપવા માટેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે
રાજકોટમાં વર્ધમાનનગરના રહીશોએ જણાવ્યું હતું કે વિધર્મીના ત્રાસથી તેમને આ પગલું ભરવાની ફરજ પડી છે. આ વિસ્તાર મુખ્યત્વે જૈન અને સોની પરિવારોનો વસવાટ ધરાવે છે અને તેમણે વિસ્તારને તાત્કાલિક અશાંતધારા હેઠળ લાવવાની માગ કરી છે. સ્થાનિક રહેવાસીઓએ લગાવેલા બેનરો પાછળ અનેક કારણો રજૂ કર્યા છે. ત્રિશુલભાઈ શાહ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, લોકો પરપ્રાંતીયો કે વિધર્મીઓને મકાન ભાડે અને વેચાણથી ન આપે તેના માટે અમે આ બોર્ડ લગાવ્યા છે. તેમણે ખાસ કરીને બંગાળી કારીગરોનો ઉલ્લેખ કર્યો હતો, જેમને આ વિસ્તારમાં મોટાભાગે મકાન ભાડે આપવામાં આવે છે. આ કારીગરો પોતાના કામમાં ઝેરી પદાર્થોનો ઉપયોગ કરે છે, જે રહેણાંક વિસ્તાર માટે અત્યંત હાનિકારક છે. વધુમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, વિધર્મીઓ દ્વારા અહીં મહિલાઓની છેડતી થયાના બનાવો પણ બની ચૂક્યા છે. જોકે આવા લોકો હાથ આવી શક્યા નથી. પરંતુ આ પ્રકારની ઘટનાઓથી સ્થાનિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ વ્યાપ્યો છે. તેથી, આગામી સમયમાં કોઈપણ વિધર્મીઓને મકાન ભાડે આપવા કે વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સમગ્ર મામલે સ્થાનિક ધારાસભ્ય તેમજ કલેક્ટર સહિત તમામ સ્થળે આ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની માગ કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
ર્ધમાનનગરના સ્થાનિકોની આ પહેલ રાજકોટમાં શાંતિ અને સહઅસ્તિત્વના મુદ્દા પર એક નવી ચર્ચા જગાવી રહી છે. એક તરફ સ્થાનિકો પોતાની સુરક્ષા, સાંસ્કૃતિક ઓળખ અને જીવનશૈલીને જાળવી રાખવા માંગે છે, તો બીજી તરફ મિલકતના વેચાણ અને ભાડા પર પ્રતિબંધ મૂકવો કાયદેસર અને સામાજિક રીતે કેટલો યોગ્ય છે તે પણ એક મોટો પ્રશ્ન છે. આ ઘટના સ્થાનિક વહીવટીતંત્ર માટે પણ પડકારરૂપ બની છે, ત્યારે આ મુદ્દે શાંતિપૂર્ણ સમાધાન શોધવું પડે તેમ છે. જો કે આગામી સમયમાં આ મુદ્દો કઈ દિશા લેશે, સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી માંગણીઓ પર વહીવટીતંત્ર દ્વારા કેવા પગલાં લેવાય છે તે આવનારો સમય જ બતાવશે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી