સુરતના માન દરવાજા ટેનામેન્ટ ફ્લેટ ધારકોમાં ભારે રોષ
મોટી સંખ્યામાં રહિશોએ લિંબાયત ઝોન કચેરી ખાતે મોરચો કાઢ્યો
1312 લાભાર્થીઓમાંથી માત્ર 30 ટકા લોકોને જ પાત્રતા
સુરતના માન દરવાજા ટેનામેન્ટ રિ-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટને લઈને ફ્લેટ ધારકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં રહિશોએ લિંબાયત ઝોન કચેરી ખાતે મોરચો કાઢી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
માન દરવાજા ટેનામેન્ટ રિ-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આવતા ફ્લેટ ધારકો સ્થાનિક અગ્રણી અસલમ સાયકલવાલા અને અલય ઢીમરની આગેવાનીમાં સુરત મહાનગર પાલિકાની લિંબાયત ઝોન કચેરી પહોંચ્યા હતાં. ફ્લેટ ધારકોએ ઝોનલ ચીફ અને ડેપ્યુટી કમિશ્નર નિલેશભાઈ પટેલને રજુઆત કરી હતી. ફ્લેટ ધારકોનો આક્ષેપ છે કે કુલ 1312 લાભાર્થીઓમાંથી માત્ર 30 ટકા લોકોને જ પાત્રતા પત્ર આપવામાં આવ્યા છે, જ્યારે બાકીના લાભાર્થીઓ હજુ રાહ જોઈ રહ્યા છે. જુલાઈ 2025થી ભાડું નક્કી થવા છતાં 70 ટકા કરતા વધુ ફ્લેટ ધારકોને હજુ સુધી પાત્રતા પત્ર મળ્યા નથી, જેના કારણે તેઓને ભાડાની રકમ પણ મળી શકી નથી. ફ્લેટ ધારકોનું કહેવું છે કે બિલ્ડર, એજન્સી અને લિંબાયત ઝોન વચ્ચે સંકલનના અભાવે સામાન્ય લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આક્રોશિત રહિશોએ તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરી તાત્કાલિક ન્યાયની માંગ કરી હતી.
