લીમધ્રા ગામના સ્નેહમિલનમાં ‘એક ગામ, એક પરિવાર’નો સંકલ્પ

Featured Video Play Icon
Spread the love

લીમધ્રા ગામના સ્નેહમિલનમાં ‘એક ગામ, એક પરિવાર’નો સંકલ્પ
લીમધ્રા ગામનો નવમો સ્નેહમિલન સમારોહ યોજાયો
સમારોહમાં મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા વેસ્ટન વિલા પાર્ટી પ્લોટ ખાતે જૂનાગઢ જિલ્લાના લીમધ્રા ગામનો નવમો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. સમારોહમાં મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સ્નેહમિલન દરમિયાન જાતિ-પાતિ, ઊંચ-નીચના ભેદભાવથી ઉપર ઊઠીને *‘એક ગામ, એક પરિવાર’*ના સંકલ્પ સાથે સૌને એકસમાન સન્માન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ‘આપણી જાત અલગ હોઈ શકે, આપણી અટક અલગ હોઈ શકે, પરંતુ આપણું ગામ એક છે’ એવો સંદેશ ગામલોકોએ આપ્યો હતો.આ પ્રસંગે ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12 માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રવીણભાઈ ભાલાળા અને લલીતભાઈ હપાણી તરફથી કુલ રૂપિયા 36 હજારના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળતાં આ વર્ષે અનેક બાળકોએ 80 થી 90 ટકા કે તેથી વધુ ગુણ મેળવી શૈક્ષણિક પ્રગતિ કરી હોવાનું જણાવાયું હતું. આગામી વર્ષોમાં પણ આ પુરસ્કાર યોજના ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સમસ્ત લીમધ્રા ગામના પ્રમુખ પ્રવીણભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, “જન્મભૂમિની સાથે કર્મભૂમિ પણ મારી જવાબદારી છે. સ્વચ્છતા માત્ર સફાઈ કામદારોની નહીં, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે.” તેમણે સ્વચ્છ શહેર અને સ્વચ્છતા માટે સૌને જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી.આ ઉપરાંત જગદીશભાઈ બોઘરાએ ગામલોકોને જાહેર સ્થળોએ કચરો નહીં ફેંકવા, પાન-માવા ખાઈને જાહેરમાં નહીં થૂંકવા અને દિવાલો તથા જાહેર સ્થળોને ગંદા નહીં કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.લલીતભાઈ હપાણીએ રોડ સેફ્ટી અંગે લોકોને જાગૃત કર્યા હતા. હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલનો ઉપયોગ નહીં કરવો, નશાની હાલતમાં વાહન નહીં ચલાવવું, ઓવરસ્પીડ અને રોંગ સાઇડથી દૂર રહેવું તેમજ ટ્રાફિક સિગ્નલ અને માર્ગના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *