અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ
કામરેજના ઊભેળ ગામના વિભૂતિ અતુલ પટેલ અને તેમના ફિયાન્સનું મોત
વિભૂતિ અતુલ પટેલ પોતાની રીંગ સેરેમની માટે સુરત આવ્યા હતા
સમાચાર મળતા જ ઊભેળ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો
અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનામાં કામરેજ તાલુકાના ઊભેળ ગામના વતની વિભૂતિ અતુલકુમાર પટેલ અને તેમના ફિયાન્સનું કરુણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર મળતા જ ઊભેળ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર, વિભૂતિ અતુલકુમાર પટેલ તાજેતરમાં પોતાની રીંગ સેરેમની માટે સુરત આવ્યા હતા અને આજે તેઓ પોતાના ફિયાન્સ સાથે ઉચ્ચ અભ્યાસ માટે યુકે પરત ફરી રહ્યા હતા.ઊભેળ ગામના ભૂતપૂર્વ પંચાયત સદસ્ય અને વિભૂતિના પાડોશી દર્શનભાઈ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “અમારા ગામના વિભૂતિબેન અતુલભાઈ પટેલ જેઓ ભૂતપૂર્વ પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે. તેમણે ફિઝિયોથેરાપીનો ઉચ્ચ અભ્યાસ કરેલો છે અને છેલ્લા દોઢ વર્ષથી તેઓ વધુ અભ્યાસ માટે લંડન ખાતે ગયા હતા. તેઓ માત્ર ૧૦ થી ૧૫ દિવસ માટે પોતાની રીંગ સેરેમની માટે ઇન્ડિયા આવ્યા હતા અને આજરોજ તેઓ પોતાના ફિયાન્સ સાથે આગળના અભ્યાસ માટે લંડન જઈ રહ્યા હતા.” દર્શણભાઈ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, “આ પ્લેન દુર્ઘટનાના સમાચાર મળતા જ અમે સ્થાનિક પ્રશાસનને જાણ કરી છે. મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા અને સુરત જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડને પણ આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે પ્રશાસન તરફથી અમને ઝડપથી વધુ માહિતી મળશે.”
આ કરુણ ઘટનાથી ઊભેળ ગામમાં શોક અને ગમગીની વ્યાપી ગઈ છે. વિભૂતિ પટેલ એક તેજસ્વી અને ભવિષ્ય ઉજ્જવળ ધરાવતી યુવતી હતી, જેમણે ફિઝિયોથેરાપીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. તેમના અને તેમના ફિયાન્સના નિધનથી પરિવારજનો અને ગ્રામજનો ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે…