રાજકોટના લોઠડા ગામે કારખાનામાં મજૂરનું મોત

Featured Video Play Icon
Spread the love

રાજકોટના લોઠડા ગામે કારખાનામાં મજૂરનું મોત
શોર્ટ સર્કિટથી મજૂરનું મોત થયાનો પ્રાથમિક ખુલાસો
શ્રી ટેકનો કાસ્ટ કંપની સામે બેદરકારીના આક્ષેપ

રાજકોટ જિલ્લાના લોઠડા ગામે આવેલી શ્રી ટેકનો કાસ્ટ નામની કંપનીમાં એક અત્યંત દુઃખદ અને ગંભીર ઘટના સામે આવી છે. અહીં ભઠ્ઠી ખાતામાં કામ કરતા એક મજૂરનું શોર્ટ સર્કિટના કારણે કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મૃતક મજૂર બિહારના વતની કૃષ્ણ પંડિત હોવાનું બહાર આવ્યું છે.

રાજકોટ જિલ્લાના લોઠડા ગામે શ્રી ટેકનો કાસ્ટ નામની કંપનીમાં કામ દરમિયાન કૃષ્ણ પંડિતને અચાનક વીજળીનો જોરદાર આંચકો લાગ્યો હતો, જેને કારણે તેમનું કમનસીબ મોત થયું હતું. આ ઘટના બાદ કંપની સંચાલકોની બેદરકારી સામે પરિવારો અને અન્ય મજૂરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતકના પરિવારજનોનો સીધો આક્ષેપ છે કે, કંપનીમાં સુરક્ષાના પ્રાથમિક સાધનો જેવા કે રોબોટિક સિસ્ટમ કે અન્ય સેફટીના સાધનોનો અભાવ છે. જો કંપનીમાં કામદારોની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા હોત, તો કદાચ કૃષ્ણ પંડિતનો જીવ બચાવી શકાયો હોત. આ દુર્ઘટના પછી મોટી સંખ્યામાં મજૂરો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા.

પરિસ્થિતિ એટલી તંગ બની હતી કે મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી કંપની સામે કાયદેસરની કાર્યવાહી ન થાય અને યોગ્ય ન્યાય ન મળે, ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. હોસ્પિટલ પરિસરમાં મજૂરો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા અને કંપનીની સલામતી વ્યવસ્થા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. લોઠડાની આ ઘટનાએ ફરી એકવાર જીઆઈડીસી વિસ્તારોમાં કામદારોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પરિવારજનોની માગ છે કે, જે બેદરકારીના કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, તે માટે જવાબદાર સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ અને મૃતકના પરિવારને આર્થિક વળતર મળવું જોઈએ…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *