સોનગઢ રમણીય પાર્ક સોસાયટીના કોમન પ્લોટ પર દબાણ
રહીશોના સોનગઢનગર પાલિકામાં આકરા તેવર
સોનગઢ શહેરમાં સરકારી કે જાહેર મિલકતો પર દબાણના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે હવે શિવાજી નગર વિસ્તારને અડીને આવેલી ‘રમણીય પાર્ક સોસાયટી’ના રહીશોએ પોતાના વિસ્તારના કોમન પ્લોટને બચાવવા માટે મોરચો માંડ્યો છે. સોસાયટીના રહીશોએ સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરી કોમન પ્લોટ પર થયેલા ગેરકાયદે દબાણને તાત્કાલિક દૂર કરવાની માંગ કરતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રમણીય પાર્ક સોસાયટીનો કોમન પ્લોટ નંબર ૪, જે વર્ષોથી સોસાયટીના રહીશોના જાહેર ઉપયોગ માટે ફાળવવામાં આવ્યો છે, ત્યાં શિવાજી નગર વિસ્તારના રહીશ શકુબેન ગામીત દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કરવામાં આવ્યું છે. રહીશોનો આરોપ છે કે, સંબંધિત વ્યક્તિ દ્વારા આ સરકારી જાહેર જગ્યા પર કબજો જમાવી તેને પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોસાયટીના લોકો માટેની આ ખુલ્લી જગ્યા પર દબાણ થતા હવે રહીશોને બાળકોના રમવા કે અન્ય સામાજિક પ્રસંગો માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દબાણને કારણે રહીશોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. રહીશોનું કહેવું છે કે, જો સમયસર આ દબાણ દૂર કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ સ્થળે કાયમી બાંધકામ થઈ જશે અને સોસાયટીની આ અમૂલ્ય જગ્યા કાયમ માટે ગુમાવવી પડશે. આ ગંભીર મુદ્દે રહીશોએ માત્ર પાલિકા જ નહીં, પરંતુ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, તાપી જિલ્લા કલેક્ટર અને મામલતદારને પણ લેખિત નકલ રવાના કરી ત્વરિત અને કડક કાર્યવાહીની માંગ કરી છે. જાહેર પ્લોટ પર દબાણ થયા હોવા છતાં સ્થાનિક તંત્ર કેમ મૌન છે ? તેવો સવાલ હવે સોસાયટીના રહીશો ઉઠાવી રહ્યા છે. જો પાલિકા તંત્ર દ્વારા આગામી દિવસોમાં કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અત્યારે તો સમગ્ર સોનગઢ શહેરમાં આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકાનું તંત્ર ક્યારે જાગે છે અને આ કોમન પ્લોટને મુક્ત કરાવે છે.
