સુરતના પાંડેસરા વિસ્તારમાં એસઓજીની સઘન તપાસ
લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબો સામે કાર્યવાહી
એસઓજીની ટીમે 16 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા
સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબો સામે સુરત એસઓજીની ટીમે લાલ આંખ કરી છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં એસઓજીએ સઘન તપાસ હાથ ધરીને 16 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનરની સૂચનાથી સુરત એસઓજીની ટીમે ડીસીપી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી પાંડેસરાની લેબર કોલોની અને શ્રમિક વિસ્તારોમાં વહેલી સવારથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન કોઈ માન્ય તબીબી લાયકાત વિના પ્રેક્ટિસ કરતા હોવાની આશંકાએ કુલ 16 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતાં. તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સો સવારના 8 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ક્લિનિક ચલાવીને દર્દીઓની સારવાર કરતા હતા. પકડાયેલા શખ્સોમાં મોટાભાગના ધોરણ 10, 12 અથવા બી.એ. અને બી.એસસી. સુધી ભણેલા હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક અગાઉ ડૉક્ટરો પાસે કમ્પાઉન્ડર કે હેલ્પર તરીકે કામ કરી ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ બોગસ તબીબો સામાન્ય તાવ, મેલેરિયા સહિતની બીમારીઓમાં દર્દીઓને એલોપેથિક દવાઓ આપતા અને ઇન્જેક્શન લગાવતા હોવાની વિગતો સામે આવી છે. કેટલાક શખ્સો બિહાર અને પશ્ચિમ બંગાળમાં પણ આવી રીતે પ્રેક્ટિસ કરી ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે ત્રણ શખ્સો અગાઉ પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં પકડાઈ ચૂક્યા હતાં. હાલ એસઓજી પોલીસ દ્વારા તમામ 16 નકલી ડોક્ટરોની વધુ તપાસ હાથ ધરાઈ છે.
