ખાંભાના ચતુરી ગામે સિંહ દ્વારા બાળકના શિકારનો મામલો

Featured Video Play Icon
Spread the love

ખાંભાના ચતુરી ગામે સિંહ દ્વારા બાળકના શિકારનો મામલો
પ્રતાપ દુધાતે કહ્યું મૃતકના પરિવારજનોને 2 કરોડનું વળતર આપવામાં આવે
રાજ્યના વનમંત્રીની મુલાકાત બાદ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મુલાકાત લીધી

ખાંભા તાલુકાના ચતુરી ગામે 5 વર્ષના બાળક પર સિંહના હુમલાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ છે. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા 10 સિંહોને પાંજરે પૂરવામાં આવ્યા છે. દરમિયાન, રાજ્યના વનમંત્રીની મુલાકાત બાદ હવે કોંગ્રેસના પ્રતિનિધિમંડળે પણ ગામની મુલાકાત લીધી છે.

અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત તથા ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ સહિતના સ્થાનિક કોંગ્રેસ આગેવાનોએ મૃતક બાળક જિયાનના પરિવારને મળી સાંત્વના પાઠવી હતી. પ્રતિનિધિ મંડળે ઘટના સ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું. અમરેલી જિલ્લામાં સિંહના હુમલાથી અત્યાર સુધી 4 લોકોના મોત થયા હોવાનું જણાવતા પ્રતાપ દુધાતે રાજ્ય સરકાર પાસે મૃતકોના પરિવારને તાત્કાલિક 2 કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી છે. આ ઉપરાંત તેમણે રેવન્યુ વિસ્તારોમાં ફરતા સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓને જંગલમાં ખસેડવાની, જંગલની સીમા પર કોર્ડનિંગ અને તાર ફેન્સિંગ કરવાની તથા આ માટે પૂરતું બજેટ ફાળવવાની માંગણી કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, સિંહ દ્વારા માનવજાત પર હુમલાની ઘટનાઓ અકલ્પનીય છે. જો સરકાર દ્વારા નક્કર પગલાં નહીં લેવાય, તો આ મુદ્દો ખેડૂતોના આંદોલનમાં ફેરવાશે. અમે આ મુદ્દે રાજકારણ નથી કરવા માંગતા, પરંતુ સરકાર માનવ જીવને પ્રાધાન્ય આપી તાત્કાલિક વળતર ચૂકવે અને કાયમી ઉકેલ લાવે તે જરૂરી છે

ગીરના સીમાડે આવેલા અમરેલી જિલ્લામાં વન્યજીવો અને માનવીઓ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા 15 વર્ષમાં ગીર સેન્ચ્યુરીના સિંહો મોટી સંખ્યામાં રેવન્યુ વિસ્તારમાં આવી ગયા છે. આ સમસ્યા ખાંભા અને અમરેલી ઉપરાંત ઉના અને ગીરગઢડા તાલુકામાં પણ જોવા મળી રહી છે. ડમાસા અને કાકીડી મોલી જેવી ઘટનાઓ તેના પુરાવા છે. જ્યારે માલધારીઓ જંગલમાં વસવાટ કરતા હતા, ત્યારે સિંહો સેન્ચ્યુરીની બહાર નહોતા આવતા. હવે માલધારીઓને બહાર કાઢવાની નીતિને કારણે જંગલમાં ઘાસ અને મારણનો અભાવ સર્જાયો છે, જેથી સિંહો ખોરાકની શોધમાં બહાર આવી રહ્યા છે. સરકારે ગંભીરતાથી આયોજન કરવું પડશે, સિંહોને સેન્ચ્યુરીમાં પરત મોકલી સુરક્ષા માટે ફેન્સિંગ કરવી જ પડશે.,…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *