અમરેલી વડિયાના સુરગપરામાં ઇમારત ધરાશાયી થઈ શકે છે,
બે આંગણવાડીઓની નજીક જર્જરિત હાલતમાં ઉભેલું ‘જવાહર બાલમંદિર’
‘જવાહર બાલમંદિર’ હવે મોતના મુખ સમાન બન્યું.
વડીયાના સુરગપરા વિસ્તારમાં આવેલી વર્ષો જૂની જવાહર બાલમંદિરની ઇમારત હાલ જર્જરિત અવસ્થામાં હોવા છતાં હજુ સુધી તોડી પાડવામાં આવી નથી. જેના કારણે નજીકમાં ચાલતી બે આંગણવાડીઓમાં આવતાં નાના બાળકો અને તેમના વાલીઓ માટે જોખમ ઊભું થયું છે.
અમરેલીના વડીયા સુરગપરા વિસ્તારમાં આવેલું જવાહર બાલ મંદિરનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત થઈ ચૂક્યું છે. જેના કારણે સ્થાનિકોમાં ચિંતા અને રોષ છે. સુરગપરા વિસ્તારમાં આવેલી આ ઇમારત લાંબા સમયથી ઉપયોગ વગર પડી છે અને તેની હાલત અત્યંત જર્જરિત હોવાથી દીવાલોના પોપડા ખરી રહ્યા છે. આંગણવાડીમાં આવતા બાળકો અને વાલીઓ દરરોજ આ રસ્તેથી પસાર થતા હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત જર્જરિત ઈમારત આસપાસ ગંદકી સર્જાય છે. ગંદકીના કારણે દુર્ગંધ ફેલાય છે. આંગણવાડીમાં આવતા નાના બાળકોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે.
સરપંચે જણાવ્યું હતું કે જોખમી હાલતમાં આવેલી આ ઈમારત અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને તેને તાત્કાલિક દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવશે. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જ આ જર્જરિત ઇમારતને તાત્કાલિક તોડી પાડવામાં આવે અને આસપાસ વધતી ગંદકી દૂર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
