અરવલ્લી મોડાસામાં એલપીજી ગેસના કાળાબજારનો પર્દાફાશ.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અફવા ફેલાવી કરાતા હતા કાળાબજાર.
અછતની અફવા ફેલાવી કમાણી કરતા નિમેષ ભાવસારની ધરપકડ.
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો ગેરફાયદો ઉઠાવી સામાન્ય જનતાને છેતરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં એલપીજી ગેસની અછતની ખોટી અફવા ફેલાવી કાળાબજાર કરી રહેલા એક શખ્સને મોડાસા ટાઉન પોલીસે ઝડપી પાડ્યો છે.
યુદ્ધની અસર ભારત સુધી પહોંચી છે જેને લઇ ઘરવપરાશમાં વપરાતું ગેસ માટે વહેલી સવારે લાંબી લાઇનો અને સિલિન્ડર ચોરીના બનાવો વધ્યા છે તેમજ કાળાબજારી પણ વધી છે, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે અનેક આર્થિક ફેરફારો જોવા મળી રહ્યા છે, જેની સીધી અસર હવે ભારતના સામાન્ય જનજીવન પર પણ પડી રહી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં LPG ગેસની અછતની ખોટી અફવા ફેલાવી કાળાબજાર કરી રહેલા આરોપી નિમેષભાઈ કિરીટભાઈ ભાવસાર લોકોમાં એવી અફવા ફેલાવતો હતો કે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે આગામી સમયમાં LPG ગેસની ભારે અછત સર્જાશે. આ અફવાનો ભય બતાવી તે ગેસ સિલિન્ડરના કાળાબજાર કરી ઊંચા ભાવે વેચાણ કરી રહ્યો હતો. મોડાસા ટાઉન પોલીસની ટીમે બાતમીના આધારે શહેરના શહીદ ચોક અને પરબડી વિસ્તારમાં ઓચિંતી રેડ પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 14 ગેસની બોટલો, રિફીલિંગ માટેની પાઈપ, વજન કાંટા સહિત કુલ 9,250 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે
પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ઓપરેશન બાદ પંથકના કાળાબજારિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આવી કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાવું નહીં અને સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવો…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
