લગ્ન કરીને 5 જ દિવસમાં 1.80 લાખ લઇને નાસી છૂટી લૂંટેલી દુલ્હન
સુરત કતારગામમાં ગેરેજ ચલાવતાં યુવક સાથે લગ્ન કરી છેતરપિંડી
ત્રણ વર્ષથી નાસતી ફરતી કવિતા સુનિલ વાઘ ઝડપાઇ
સુરત કતારગામમાં ગેરેજ ચલાવતાં યુવક સાથે લગ્ન કરીને 5 જ દિવસમાં રૂ.1.80 લાખની મત્તા લઇને નાસી ગયેલી લૂંટેલી દુલ્હનને ચોકબજાર પોલીસે મહારાષ્ટ્રના નાસિકથી ઝડપી પાડી છે. આ દુલ્હન છેલ્લા ત્રણ વર્ષથી નાસતી ફરતી હતી.
સુરતની ચોક બજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ હરિઓમ સોસાયટીમાં રહેતા મહેશ તરસરીયા લગ્ન કરવા માટે ઇચ્છુક હતા. દરમિયાનમાં તેને મિત્ર દ્વારા હર્ષદ કાનજી પ્રજાપતિ લગ્ન કરાવી આપતા હોવાનું જણાવ્યું હતું. જેથી મહેશે તેનો સંપર્ક કરતા તેણે દલાલ મોમીન અને ગણેશ બંડુ મારફતે વર્ષ 2022માં અમદાવાદ ખાતે કવિતા વાઘ સાથે મુલાકાત કરાવી હતી. મહેશને કવિતા પસંદ આવતા લગ્ન નક્કી કર્યા હતાં. જેમાં 1.05 લાખ લગ્ન ખર્ચ, 8,500 દલાલી અને 10 હજાર ભાડા ખર્ચનું નક્કી થયું હતું. મહેશે પૈસા આપી દીધા બાદ 12-4-2022ના રોજ તેમના લગ્ન થયા હતો. લગ્નના 5 માં દિવસે કવિતાએ માતાની તબીયત ખરાબ હોવાનું કહીને મહેશ સાથે નાસિક ગઈ હતી. બસ સ્ટેન્ડ પર કવિતા મહેશને બેસાડીને બહેનપણીના ઘરે કપડા બદલીને આવુ છું કહીને 34.500 ની મત્તા લઇને નાસી ગઇ હતી. 8 મહિના સુધી રાહ જોઇ છતાં કવિતા પરત નહીં આવતા વર્ષ 2023 માં મહેશે ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનામાં પોલીસે દલાલ હર્ષદ, મોમીન વગેરેની ધરપકડ કરી હતી. જ્યારે છેલ્લા ત્રણ વર્ષથી નાસતી ફરતી કવિતા સુનિલ વાઘ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના તલેગાંવમાં હોવાની માહિતી મળતા ચોકબજાર પોલીસની એક ટીમ ત્યાં પહોંચી હતી અને કવિતાને પકડી પાડી હતી. વધુમાં કવિતાને ત્રણ સંતાનો છે જેમાં મોટો દિકરો 16 વર્ષનો છે. સુરતથી ભાગીને કવિતા તેના પિતા સુનિલ વાઘ પાસે તલેગાંવ પહોંચી ગઇ હતી. જ્યાં પિતા પુત્રી મજુરી કામ કરીને ગુજરાન ચલાવે છે. પોલીસ અગાઉ પણ તેને પકડવા ગઈ હતી. પણ પોલીસ આવ્યાની ગંધ આવી જતા તે નાસી ગઇ હતી.
