સોનગઢ સરકારી કોલેજનો 25મો વાર્ષિકોત્સવ ઉજવાયો
રજતજયંતી મહોત્સવે શિક્ષણ પ્રગતિનો સંદેશ
મંત્રી જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ સન્માનિત કરાયા
તાપી જિલ્લાના સોનગઢ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં શનિવારે સંકુલના ‘૨૫મા વાર્ષિકોત્સવ’ અને ‘રજતજયંતી મહોત્સવ’ માં વિશેષ ઉપસ્થિત નોંધાવતા રમતગમત, ઉદ્યોગ સહિત સર્વાધિક વિભાગોની જવાબદારી સંભાળતા રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે , આ કૉલેજે આદિવાસી અને ગ્રામીણ વિસ્તારના હજારો યુવાનોના જીવનમાં શિક્ષણનો ઉજાસ ફેલાવ્યો છે, તે જોઈને સંતોષ થાય છે.
વધુમાં ડૉ. જયરામભાઈ ગામિતે ઉમેર્યું કે, ખાસ કરીને તાપી જેવા આદિવાસી બહુલ જિલ્લામાં જ્યારે દીકરા-દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવે છે, ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં પણ આખું પરિવાર અને સમાજ પ્રગતિ કરે છે. આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપી તેમના જીવનધોરણમાં પરિવર્તન લાવવાના ઉમદા હેતુ સાથે આ મહોત્સવનું આયોજન કૉલેજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ પૂલવામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલ સેનાના જવાનોને શ્રધ્ધાંજલી આપી હતી. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સોનગઢ ના પૂર્વ પ્રમુખ સ્વ-નારણભાઈ દોણવાળાના સહયોગથી ૧૨વર્ષ સુધી કોલેજ શ્રી સાર્વજનિક હાઈસ્કુલ સોનગઢ ના મકાનમાં ચાલી હતી જેથી તેઓને આ પ્રસંગે પણ યાદ કર્યા હાતા સાથે વર્તમાન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સોનગઢ ના પ્રમુખ જીગ્નેશભાઈ દોણવાળાએ પ્રસંગોચીત વક્તવ્ય આપ્યું હતું. તાપી ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ અને નિવૃત સંયુક્ત સચિવ શ્રી નરેન્દ્રભાઈ યુ. ગામીતે વિધ્યાર્થીઓને ભણતરની સાથે ગણતર જરૂરી છે જે નેમ સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના પ્રમુખ જબારભાઇ પઠાણે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો, મહાનુભાવો, તેમજ અન્ય શિક્ષણવિદો, કૉલેજના આચાર્ય ડૉ. રાજેશભાઈ એ. પટેલ સહિત કોલેજ પરિવાર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે નગરપાલિકાના કોર્પોરેટર કિશોર ચૌધરી, ભાજપા જિલ્લા યુવા મોરચાના વિશાલ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.
