માંડવી નજીક ભયાનક અકસ્માત:
ટ્રક અને બાઈકની ટક્કરમાં બે યુવકોના કરુણ મોત, એક ગંભીર.
માંડવી તાલુકાના દેવગઢ ગામ નજીક નેશનલ હાઈવે 56 પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે, જેમાં બે યુવાન મિત્રોએ જીવ ગુમાવ્યો છે અને અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ દુર્ઘટના બેદરકારીપૂર્વક વાહન ચલાવતા ટ્રક ચાલકની ગંભીર ભૂલને કારણે બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આજરોજ માંડવીથી ઝંખવાવ તરફ જતા નેશનલ હાઈવે 56 પરના એક વળાંક પાસે આ અકસ્માત થયો. પ્રાપ્ત માહિતી મુજબ, એક યામાહા MT15 મોટરસાઇકલ (નં. GJ-19-UN-8206) પર સવાર ત્રણ મિત્રો જઈ રહ્યા હતા. તે જ સમયે, પુરઝડપે અને બેફિકરાઈથી હંકારાઈ રહેલી એક ટ્રક (નં. GJ-10-TX-5463)એ આ બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર ત્રણેય યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં માંડવીના લુહારવડ ગામના 19 વર્ષીય સર્જન જગદીશભાઈ ચૌધરી અને માંગરોળના વેરાવી ગામના કૃણાલ પંકજભાઈ ચૌધરીનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. બંનેના માથા, નાક અને કાનમાંથી લોહી નીકળી રહ્યું હતું અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે, ત્રીજો મિત્ર, માંગરોળના વેરાવી ગામના શિવમ જીવણભાઈ ચૌધરીને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા શિવમને તાત્કાલિક સુરતની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ દુર્ઘટના બાદ, ટ્રક ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. મૃતક સર્જન ચૌધરીના કાકા, જગુભાઈ અર્જુનભાઈ ચૌધરીએ આ અંગે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવી ગંભીર ગુનો આચરવા બદલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ગમખ્વાર ઘટનાથી બંને પરિવારોમાં અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
