ભિલોડાની કોટેજ હોસ્પિટલની બેદરકારી સામે આવી
કોટેજ હોસ્પિટલના જુના બિલ્ડિંગમાં એક્સપાયરી થયેલી દવાનો જથ્થો મળ્યો
દવાઓનો જથ્થો એક્સપાયરી હાલતમાં જોવા મળતા ઉઠયા સવાલ
સરકારી દવાની સ્ટ્રીપ પર એક્સપાયરી ડેટ મે-2022
અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે આવેલી કોટેજ હોસ્પિટલમાંથી વધુ એક ચોંકાવનારી બેદરકારીનો કિસ્સો બહાર આવ્યો છે. હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં એક્સપાયરી થયેલી સરકારી દવાઓનો મોટો જથ્થો મળ્યો છે.
મળતી માહિતી અનુસાર આ દવાઓમાં ટીબી (ક્ષયરોગ) સહિતની અન્ય મહત્વપૂર્ણ દવાઓનો સમાવેશ થાય છે, જેના પર એક્સપાયરી તારીખ મે-2022 સ્પષ્ટપણે લખેલી જોવા મળી છે.દવાઓનો આ જથ્થો ખુલ્લેઆમ જૂના ભાગમાં ઢગલાબંધ સ્થિતિમાં પડેલો જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે. શું આ દવાઓ દર્દીઓને વપરાશમાં લેવાઈ ગઈ..? કે પછી સમયસર નાશ ન કરવાના કારણે તે અહીં સુધી આવી ગઈ હજુ તો હોસ્પિટલ તંત્ર તરફથી કોઈ અધિકૃત સ્પષ્ટતા આપવામાં આવી નથી, પરંતુ સમગ્ર ઘટના કેમેરામાં માં કેદ થતા વિસ્તારમાં આરોગ્ય તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊઠી રહ્યા છે.જિલ્લા આરોગ્ય તંત્રની બેદરકારીના કારણે સામાન્ય જનતા માટે આરોગ્યસંકટ ઉભું થવાનું ભય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જો એક્સપાયરી દવાઓ દર્દીઓને આપવામાં આવી હોય તો તેનો સીધો ફટકો જનહિત પર પડી શકે છે. ખાસ કરીને ટીબી જેવી ગંભીર બીમારીની દવાઓમાં આવી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.અત્યારે સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા તાત્કાલિક તપાસની માગ ઉઠાવવામાં આવી રહી છે. દવાઓની ખરીદી, સંગ્રહ અને નાશ પ્રક્રિયામાં કોણ જવાબદાર છે તે અંગે સ્પષ્ટતા કરવાની અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.
