સુરત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી,
APK ફાઈલથી મોબાઈલ હેક કરતી ગેંગ ઝડપાઈ
જામતારાથી પટના સુધી 2,545 કિમી પીછો કરી ચાર આરોપીઓની ધરપકડ
સાયબર ઠગોને ઝડપી પાડવા પોલીસે હજારો કિમીનો પીછો કર્યો
સુરત સાયબર ક્રાઈમ સેલે એપીકે ફાઈલ મોકલી મોબાઈલ હેક કરતી ગેંગના ચાર રીઢા આરોપીઓને જામતારાથી બિહારના પટના સુધી 2,545 કિલોમીટરનો પીછો કરી ધરપકડ કરી હતી. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે હજ્જારો કિલો મીટરની સફર કરવાની સાથે વેશપલ્ટો પણ કર્યો હતો.
સુરત સાયબર ક્રાઈમ સેલની ટીમે દેશભરમાં સાયબર ફ્રોડનો જાળ બિછાવનાર ગેંગ સામે કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ પીએનબી વન ડોટ એપીકે સહિતની ફેક એપીકે ફાઈલો તૈયાર કરી લોકોને વોટ્સએસ અને એસએમએસ મારફતે મોકલતા હતા. મોબાઈલમાં એપીકે ઈન્સ્ટોલ કરાવતા જ આરોપીઓને ફોનના એસએમએસ, કોન્ટેક, કોલ લોગ્સ અને બેંકિંગ સંબંધિત માહિતી સુધી પહોંચ મળી જતી હતી. ત્યારબાદ પીડિતોના બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી સાયબર ઠગાઈ કરવામાં આવતી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે જામતારા, દેવઘર અને ત્યારબાદ બિહારના પટના સુધી 2,545 કિલોમીટરનો પીછો કરી ચાર આરોપીઓ જહરૂલ અંસારી ઉર્ફે ચાંદ શહદુલમીયા, રાજનકુમાર સુનિલપ્રસાદ સોની, આદિત્યરાજ ઉર્ફે અમન રાજુકુમાર અને સમીર ઉર્ફે શક્તિમાન કુતબુદ્દીનમીયાં અંસારીને ઝડપી પાડ્યા હતાં. તપાસમાં એક મુખ્ય આરોપી સાથે જોડાયેલી 336 એપીકે ફાઈલ મળી આવી હતી. આ ફાઈલો દ્વારા 31,174 મોબાઈલ ડિવાઇસ, 5,613 એસએમએસ અને 1,06,643 ટ્રાન્ઝેક્શનની વિગતો સામે આવી છે. આ ટ્રાન્ઝેક્શનની કુલ રકમ 125 કરોડથી વધુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. જે અંગે સાયબર ક્રાઈમ ડીસીપીએ વધુ માહિતી આપી હતી.
