કામરેજના ડુંગરા ગામે આવેલું છે ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિર
મહાભારતના ભીમ સાથે જોડાયેલી છે ભીમનાથ મહાદેવની લોકકથા
ભીમ ભગવાન શિવના પરમ ભક્ત હોવાનું માનવામાં આવે છે
તાપી નદી કિનારે આવેલું મંદિર ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર
સુરતથી આશરે ૨૫ કિલોમીટર દૂર કામરેજ તાલુકામાં ડુંગરા કરીને ગામ તાપીના કિનારે આવેલું છે. ત્યાં ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. સુરતથી કામરેજ ગામ થઈ ને જવાય છે, મહાભારત એટલે પાંડવો અને કૌરવોના સંઘર્ષની વાતો કહો કે, સત્ય અને અસત્યની સ્પર્ધા, પાંચ પાંડવોમાંથી ભીમ ગદાયુદ્ધમાં કુશળ હતો તથા તે શિવનો સાચો ભક્ત હતો. એક વખત ભીમ તાપી નદીમાં સ્નાન કરતો હતો ત્યારે ભગવાન શંકરે પાર્વતીજીને ભીમ મારો સાચો ભક્ત છે તેમ જણાવ્યું ત્યારે પાર્વતીજીને ભીમ સાચો ભક્ત હોય તેમ લાગ્યું નહીં અને તેથી તેઓએ ભીમની પરીક્ષા કરવાનું વિચાર્યું. પાર્વતીજીએ ગાયનું રૂપ ધારણ કર્યું અને શંકર ભગવાને વાઘનું રૂપ ધારણ કર્યું. ગાયની પાછળ વાઘનું રૂપ લીધેલ શંકર ભગવાન દોડ્યા. આ દૃશ્ય ભીમે જોયું. ગાયને બચાવવા માટે ભીમ વાઘેચાથી ડુંગરા સુધી સતત દોડ્યા અને વાઘની સાથે દ્વન્દ્વ યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં ભગવાન શંકરે ભીમના પાંસળાં નહોર દ્વારા બહાર કાઢી નાંખ્યા છતાં ભીમ ગાયને બચાવવા માટે વાઘની સાથે યુદ્ધ કરતો રહ્યો અને યુદ્ધમાં પીછેહઠ ન કરી ભીમની આવી ધાર્મિક પરોપકાર ની વૃત્તિ જોઈને તથા પ્રાણી પ્રત્યેની અહિંસા ને મમતાની ભાવના જોઈને ભગવાન શંકર સ્વયં ભૂ ઉપરોક્ત સ્થાને પ્રગટ્યા તેથી આ સ્થાનનું નામ ભીમનું નામ અમર રહે તે આશયથી ભીમનાથ મહાદેવ આપવામાં આવ્યું. આ સ્થળ પર દમનમુનિ રહેતા હતા એવો પણ ઉલ્લેખ તાપી પુરાણમાં મળે છે. આ સ્થળ ઉપર ભીમકારા રાજા રાજ્ય કરતો હતો એમ મનાય છે, તે રાજાને ઘેર શેર માટીની ખોટ હતી, અને તેથી તે રાજા સતત ચિંતાતુર રહેતો હતો. તે રાજાએ ભીમેશ્વર મહાદેવ પાસે આરાધના કરી અને કહ્યું કે, હે પ્રભુ મારૂં વાંઝિયાપણું ટાળો અને ત્યાર પછી રાજાના ઘરે પારણું બંધાયું.
આ સ્થળ પાસેથી વહેતી તાપી નદીમાં જે પતિપત્ની સજોડે જેઠ મહિનામાં શુક્લ પક્ષની એકાદશીના દિવસે સંકલ્પ કરીને સ્નાન કરે અને ભીમેશ્વર મહાદેવની સાચા હ્રદયથી પૂજા કરે તો તેમના મનના સંકલ્પો પૂર્ણ થાય તેવું મનાય છે. હાલમાં સુરત જીલ્લાની ભૂગોળ પ્રમાણે ગામ જીઓર તા. કામરેજમાં આ સ્થળ આવેલું છે. મહાશિવરાત્રીએ ઘીના કમળ ચઢે છે. તથા શ્રાવણ માસના દરેક સોમવારે ત્યાં મેળો ભરાય છે અને માનવમેદની ભીમેશ્વર મહાદેવની પૂજા કરે છે. ઘણા ભાવિક ભક્તો ભીમેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે…
