સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ પેમેન્ટની સુવિધાનો અભાવ
સ્વજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો
નવી સિવિલ હોસ્પિટલમાં ડિજીટલ ઈન્ડિયાના નામે મીંડુ
દેશભરમાં ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હજુ પણ અનેક વિભાગોમાં ડિજિટલ પેમેન્ટની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સ્વજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ડિજીટલ ઈન્ડિયાના નામે મીંડુ હોય તેમ સુરત સિવિલ હોસ્પિટલમાં કેસ પેપર બારી અને એક્સ-રે વિભાગ સહિતના કેટલાક વિભાગોમાં ઓનલાઈન ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ નથી. જેના કારણે દર્દીઓ જ્યારે 20, 50, 100 કે 200 રૂપિયાની નોટ લઈને ફી ભરવા પહોંચે છે ત્યારે ઓપરેટરો દ્વારા છૂટા પૈસા માંગવામાં આવે છે. પરંતુ દર્દીઓ પાસે છૂટા પૈસા ન હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. દર્દીઓનું કહેવું છે કે આજના સમયમાં મોટાભાગના લોકો રોકડ રકમની જગ્યાએ યુપીઆઈ અને અન્ય ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં હોસ્પિટલમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા ન હોવાને કારણે વારંવાર કાઉન્ટર પર દોડધામ કરવી પડે છે અને છૂટા પૈસા મેળવવા માટે સમય બગાડવો પડે છે.
એક તરફ સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે બીજી તરફ સરકારી હોસ્પિટલમાં જ ડિજિટલ પેમેન્ટની સુવિધાનો અભાવ અનેક સવાલો ઉભા કરી રહ્યો છે. દર્દીઓ અને તેમના સ્વજનોએ હોસ્પિટલ તંત્ર સમક્ષ માંગ કરી છે કે તમામ વિભાગોમાં યુપીઆઈ, ક્યુઆર કોડ અને અન્ય ઓનલાઈન પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવે જેથી દર્દીઓને અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.
