21 વર્ષથી ફરાર આરોપી સિકંદરાબાદથી ઝડપાયો
2005ના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
સુરત શહેરમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચાલી રહેલી ખાસ ડ્રાઇવમાં ક્રાઇમ બ્રાન્ચે ઉધના પોલીસ સ્ટેશનના વર્ષ 2005ના ગુનામાં છેલ્લા 21 વર્ષથી ફરાર આરોપીને તેલંગાણાના સિકંદરાબાદથી ઝડપી પાડ્યો છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચે હાલ લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ ડ્રાઈવ હાથ ધરી છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 21 વર્ષથી વોન્ટેડ આરોપી ચિંતામણી દેવરાજ બિશોઇને તેલંગાણાના સિકંદરાબાદથી ઝડપી પાડ્યો હતો. આરોપી સામે ઉધના પોલીસ સ્ટેશનમાં વર્ષ 2005માં ગુનો નોંધાયો હતો અને કોર્ટ દ્વારા પણ તેની ધરપકડ માટે વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી વર્ષોથી પોલીસથી બચતો ફરતો હતો. શરૂઆતમાં કોલકાતામાં મજૂરી કામ કર્યા બાદ છેલ્લા આશરે 20 વર્ષથી સિકંદરાબાદના શાંતિનગર-નાલાપેટ વિસ્તારમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે રહેતો હતો. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યુ હતું કે વર્ષ 2005માં ઉધના પટેલનગર ખાતે મેસમાં ચંપલ મૂકવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં મારામારીની ઘટના બની હતી. આ ગુનામાં વોન્ટેડ આરોપીને હવે તેલંગાણાથી ડિટેઇન કરી સુરત લાવી તેનો કબ્જો ઉધના પોલીસને સોંપાવની તજવીજ હાથ ધરી હતી.
