સુરતમાં સ્ટ્રીટ વેન્ડર્સનું થશે વ્યવસ્થિત આયોજન
વરાછા, અમરોલી અને કતારગામમાં સર્વે હાથ ધરાશે
સુરતમાં ટ્રાફિક સમસ્યા અને સ્ટ્રીટ વેન્ડર્સના દબાણને લઈને પાલિકાએ મહત્વનો નિર્ણય લીધો હોય તેમ વરાછા, અમરોલી અને કતારગામ વિસ્તારમાં સ્ટ્રીટ વેન્ડર્સનું વ્યવસ્થિત આયોજન કરવા સર્વે હાથ ધરાશે.
સુરત શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા વચ્ચે પાલિકા હવે સ્ટ્રીટ વેન્ડર્સ માટે ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં આગળ વધી રહી છે. વરાછા, અમરોલી અને કતારગામ સહિતના વિસ્તારોમાં સ્ટ્રીટ વેન્ડર્સ ક્યાં અને કેવી રીતે ઊભા રહે છે તેની વિગતવાર નોંધણી માટે એક એજન્સીને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. સર્વે દરમિયાન વેન્ડર્સનું સ્થળ, વ્યવસાય અને તેમની સ્થિતિ અંગે માહિતી એકત્ર કરવામાં આવશે. ત્યારબાદ એજન્સી દ્વારા વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે સ્ટ્રીટ વેન્ડર્સને ચોક્કસ જગ્યા ફાળવવામાં આવશે અને દરેક વેન્ડરને અલગ નંબર આપવામાં આવશે. ફાળવવામાં આવેલા નંબર મુજબ જ વેન્ડર્સે નિયત જગ્યાએ વ્યવસાય કરવાનો રહેશે. પાલિકાના આ નિર્ણયથી ટ્રાફિક વ્યવસ્થા અને સ્ટ્રીટ વેન્ડિંગને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
