સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
વીયરકમ કોઝવે ખાતે નહાવા ગયેલા પાંચ મિત્રોમાં એક ડૂબ્યો
એક સગીરનો પગ લપસતા પાણીમાં ગરકાવ થઈ જતાં મોત નીપજ્યું
સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં વીયરકમ કોઝવે ખાતે નહાવા ગયેલા પાંચ મિત્રોમાંથી એક સગીરનો પગ લપસતા પાણીમાં ગરકાવ થઈ જતાં મોત નીપજ્યું છે. ઘટનાને પગલે પરિવાર અને વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
સુરતના રાંદેર વીયરકમ કોઝવે ખાતે આજે એક કરુણ ઘટના બની હતી. જેમાં પાંચ મિત્રો કોઝવે પર બાઇક ધોવા અને નહાવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન પાંચમાંથી એક 17 વર્ષીય સગીર રેહાનનો અચાનક પગ લપસતા તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ દુર્ભાગ્યે રેહાનને બચાવી શકાયો નહોતો. મૃતક રેહાન લિંબાયતના મદીના મસ્જિદ વિસ્તારનો રહેવાસી હોવાનું અને ઘરે ફરવા જવાનું કહી નીકળ્યો હતો. રેહાન પરિવારનો એકનો એક દીકરો હોય જેને લઈ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
