ડાંગ-સોનગઢ મુખ્ય માર્ગ બન્યો ‘ડેથ ટ્રેપ’
બરડીપાડા સુધીનો સિંગલ પટ્ટી રસ્તો મુસાફરો માટે જોખમી
ડાંગ જિલ્લાને તાપી જિલ્લાના સોનગઢ સાથે જોડતો વ્યૂહાત્મક અને મહત્વનો મુખ્ય માર્ગ હાલ વાહનચાલકો માટે આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થઈ રહ્યો છે. ખાસ કરીને લશ્કરીયાથી બરડીપાડા સુધીનો અંદાજે કિલોમીટર લાંબો સિંગલ પટ્ટી રસ્તો એટલી હદે બિસ્માર બન્યો છે કે અહીંથી પસાર થવું એટલે મોતના મોઢામાં જવા સમાન છે.
માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારીને કારણે રસ્તાની બંને તરફની સાઈડ પટ્ટીઓ યોગ્ય રીતે પૂરવામાં આવી નથી. રસ્તા અને કાચા ખભા વચ્ચે મોટું અંતર હોવાને કારણે, સામેથી આવતા વાહનને સાઈડ આપવા જતાં વાહન પલટી જવાની કે સ્લિપ થવાની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. સિંગલ પટ્ટી અને ટ્રાફિકનું ભારણ: આ માર્ગ સાંકડો હોવા છતાં અહીંથી આંતર જિલ્લાની એસ.ટી. બસો, ભારે માલવાહક ટ્રકો અને ખાનગી વાહનોનું ભારણ સતત રહે છે. સામસામે બે મોટા વાહનો આવે ત્યારે ટ્રાફિક જામની સાથે અકસ્માતનું જોખમ અનેકગણું વધી જાય છે. લોકોની મજબૂરી: આ રસ્તો માત્ર મુસાફરી માટે જ નહીં, પરંતુ ડાંગના અંતરિયાળ વિસ્તારના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને શ્રમિકો માટે એકમાત્ર ‘લાઇફલાઇન’ છે. અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી લોકો જીવના જોખમે અહીંથી પસાર થવા મજબૂર છે. જો તંત્ર હજુ પણ કુંભકર્ણની નિદ્રામાં રહેશે, તો આ માર્ગ પર કોઈ મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા છે. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે ? તેવો સવાલ અત્યારે ડાંગની જનતા પૂછી રહી છે. સ્તાની આ દયનીય સ્થિતિને પગલે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્ર સામે પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોની સ્પષ્ટ માંગણી છે કે: ડાંગ જિલ્લા કલેક્ટર અને માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ એરકન્ડિશન્ડ ઓફિસો છોડી સ્થળ પર આવે અને આ ખતરનાક રસ્તાનું જાત-નિરીક્ષણ કરે. યુદ્ધના ધોરણે સમારકામ: રસ્તા પરના ખાડા પૂરવા અને જોખમી સાઈડ પટ્ટીઓનું તાત્કાલિક મેટલિંગ કરી તેને લેવલમાં કરવામાં આવે. આ માર્ગને પહોળો કરી ડબલ પટ્ટી બનાવવાની કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવે જેથી ભવિષ્યમાં અકસ્માતો અટકાવી શકાય…..
