કચ્છ યુનિવર્સિટી પર યુવરાજસિંહે લગાવ્યા આક્ષેપ.
‘BBA સેમેસ્ટર 5 અને MBA Integratedની પરીક્ષામાં છબરડો’
‘બંને પરીક્ષમાં પેપર સરખા આપવામાં આવ્યા
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ફરી એકવાર તેની પરીક્ષામાં સર્જાયેલા ગંભીર છબરડાને કારણે વિવાદમાં ઘેરાઈ છે. યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પુરાવા રજૂ કરીને આ બેદરકારીનો પર્દાફાશ કર્યો છે.
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ઉપર આક્ષેપ કરતા યુવા નેતા યુવરાજસિંહે ‘ટેસ્ટ ઑફ બેદરકારી’ નામથી કરેલા દાવા મુજબ, યુનિવર્સિટીમાં તારીખ 08/10/2025થી શરૂ થયેલી પરીક્ષાઓમાં છેલ્લા ચાર દિવસથી એક જ પેપરની ‘રિપીટ’ થઈ રહ્યા છે. જે યુનિવર્સિટીની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઊભા કરે છે. યુવરાજસિંહના મતે, યુનિવર્સિટીની પરીક્ષા વ્યવસ્થામાં ગંભીર ભૂલ થઈ છે, સવાર અને બપોરના સેશનમાં એક જ પેપર આપવામાં આવી રહ્યા છે. સવારના ભાગમાં BBA સેમેસ્ટર 5 ની પરીક્ષા હતી, જેનો સમય 10.30 થી 12.30 હતો. જ્યારે બપોર પછીના સેશન, એટલે કે 2.30 થી 4.30 ના સમયમાં MBA ઇન્ટિગ્રેટેડ સેમેસ્ટર 5 ની પરીક્ષા લેવાઈ હતી. યુનિવર્સિટીની આ બેદરકારી પાછળ યુવરાજસિંહે ખાનગી એજન્સીને જવાબદાર ઠેરવી છે. તેમણે દાવો કર્યો છે કે, જ્યારથી ખાનગી એજન્સીને પરીક્ષાનું કામ સોંપાયું છે, ત્યારથી આવી જ હાલત છે. “કોન્ટ્રાકટર કમાણી કરે, યુવાનો ભોગ બને,” તેવી ગંભીર ટીકા તેમણે કરી છે.
BA સેમ-5 અને MBA Integrated સેમ-5ના વિદ્યાર્થીઓને બેઠેબેઠું એક જ પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું. પ્રશ્નપત્રમાં કાનોમાત્રનો પણ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. આશ્ચર્યની વાત તો એ છે કે, આ ભૂલ માત્ર એક જ પેપરમાં નહીં, પરંતુ ચાર દિવસથી સતત ચાર અલગ-અલગ પેપરોમાં થઈ છે. યુવરાજસિંહે કટાક્ષ કરતાં કહ્યું છે કે, આ તો ‘ડબલ ધમાકા’ ઑફર છે, જ્યાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા છે અને યુનિવર્સિટીના માટે ‘ટેસ્ટ ઑફ બેદરકારી’ છે. આને ‘સમયની બચત’ અને કાગળની કરકસર’ નહીં, પણ બુદ્ધિનું દેવાળું અને પરીક્ષા નિયામકની ઘોર બેદરકારી કહી શકાય. અંતમાં યુવરાજસિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, પેપર નહીં, સિસ્ટમ લીક થઈ ગઈ છે, અને યુનિવર્સિટી દ્વારા કરાયેલી આ ‘ઐતિહાસિક ભૂલ’ આવનારી પેઢીઓ માટે ‘કેસ સ્ટડી’ બની રહેશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
