રામનવમી હોય કે હનુમાન જયંતિ હવે દેશમાં ઠેરઠેર રેલીઓ નીકળી રહી છે અને તેમાં ‘હિન્દુ રાષ્ટ્ર’ની ઘોષણા થઈ રહી છે. કાજલ હિન્દુસ્તાની/ બાગેશ્વર સરકાર/ પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ / કોર્પોરેટ કથાકારો/ બાબાઓ/ સદગુરુઓ/ શ્રી શ્રીઓ/ સ્વામિનારાયણ સંતો વગેરે હિન્દુ રાષ્ટ્રના ડાકલાં વગાડી રહ્યા છે ! ગુજરાતમાં અમુક ગામોમાં અને શહેરોમાં બોર્ડ જોવા મળે છે કે હિન્દુ રાષ્ટ્રનું આ ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે ! પોલીસ કે પ્રશાસનને આ પ્રકારના બોર્ડ સામે કોઈ વાંધો પણ નથી ! સવાલ એ છે કે જ્યારે બંધારણમાં બંધુત્વ/ સમાનતા/ ન્યાય/ સ્વતંત્રતાના સિદ્ધાંતો મૂળભૂત હક્ક તરીકે સ્વીકારવામાં આવેલ છે, ત્યારે આ પ્રકારના બોર્ડ કે રેલીઓમાં હિન્દુરાષ્ટ્રના નારા ઉચ્ચારવામાં આવે છે, તેથી બંધારણના ગૌરવને હાનિ પહોંચે કે નહીં ?
શું કેન્દ્ર સરકાર આ જાણતી નથી ?
શું દેશની હાઈકોર્ટ / સુપ્રિમકોર્ટ પણ બેખબર હશે ?
થોડાં પ્રશ્નો :-
1, હિન્દુ રાષ્ટ્ર એટલે શું ?
તેમાં બંધારણ મુજબ શાસન હશે કે પછી મનુસ્મૃતિ મુજબનું ?
જો મનુસ્મૃતિ મુજબનું શાસન હોય તો ગુનાની સજા વર્ણ મુજબ હશે કે ગુના મુજબ ?
2, હિન્દુ રાષ્ટ્રમાં ઊંચનીચના ભેદભાવ હશે કે નહીં ?
અસ્પૃશ્યતા હશે કે નહીં ?
3, હિન્દુ રાષ્ટ્રમાં શ્રમિકોને/શૂદ્રોને ભણવાનો અધિકાર હશે કે નહીં ?
4, હિન્દુ રાષ્ટ્રમાં રાજાશાહી હશે કે લોકશાહી ?
5, હિન્દુ રાષ્ટ્રમાં ગાંધીજી દેશદ્રોહી અને હત્યારો ગોડસે દેશભક્ત હશે ?
6, હિન્દુ રાષ્ટ્ર રુઢિવાદી હશે કે પ્રગતિશીલ ?
7, હિન્દુ રાષ્ટ્રમાં પતિના મૃત્યુ બાદ પત્નીએ સતી થવું પડશે ?
8, હિન્દુ રાષ્ટ્રનાં બાળ વિવાહ ફરજિયાત બનશે ?
9, હિન્દુ રાષ્ટ્રમાં વિધવા પુન:લગ્ન કરી શકશે ?
10, હિન્દુ રાષ્ટ્રમાં મહિલાઓએ અગ્નિ પરીક્ષા આપવી પડશે ?
11, હિન્દુ રાષ્ટ્રમાં મહિલાઓએ સ્તન ઢાંકવા ટેક્સ આપવો પડશે ?
12, હિન્દુ રાષ્ટ્રમાં લસણ/ ડુંગળી ખાવાની મનાઈ હશે ?
13, અખંડ હિન્દુ રાષ્ટ્રમાં અફઘાનિસ્તાન/પાકિસ્તાનનો સમાવેશ થતો હોય તો કાબૂલમાં જન્મેલ હૂમાયૂં/ સિંધમાં જન્મેલ અકબર વિદેશી ગણાય ?
14, હિન્દુ રાષ્ટ્રમાં સામંતવાદી વ્યવસ્થા હોય કે નહીં ?
સામંતવાદી વ્યવસ્થામાં બંધુત્વ/ સમાનતા/ ન્યાય/ સ્વતંત્રતાના મૂલ્યો હોય ખરાં ?
શું સત્તાપક્ષ, ‘હિન્દુ રાષ્ટ્ર’ કે ‘અખંડ હિન્દુ રાષ્ટ્ર’નો ગોળ કોણીએ લગાડતો નથી ?
કરોડો લોકોને રામ/હનુમાનજીમાં શ્રદ્ધા છે. આ શ્રદ્ધાનો રાજકીય ઉપયોગ કરનારા તકવાદી/ સ્વાર્થી કહેવાય કે નહી ?
રિપોર્ટ : પૂર્વ આઇપીએસ રમેશ સવાણી