રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા
વડોદરા જિલ્લામાં ખેડૂતો પર આભ ફાટ્યું
કમોસમી વરસાદથી ખેતરમાં રહેલ ઉભા પાકને ભારે નુકસાન થયું
વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતો પર કુદરતનો કોપ તૂટી પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પડેલા માવઠાના કારણે ખેતરોમાં ઊભેલા પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોની આંખોમાં નિરાશા અને વેદનાનો માહોલ છવાઈ ગયો છે.હવામાન વિભાગની ચેતવણીઓ વચ્ચે અચાનક પડેલા ભારે વરસાદે ખેડૂતોના સપનાઓ પર પાણી ફેરવ્યું છે.
વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતો પર કુદરતનો કોપ તૂટી પડ્યો છે. ગામના ખેતરોમાં તૈયાર ડાંગરની કાપણી થવાની હતી ત્યારે વરસાદે ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક કાદવમાં ગરકાવ થયો છે. માત્ર ડાંગર જ નહીં, ભીંડાનો પાક પણ સંપૂર્ણ રીતે બરબાદ થયો છે.ખેડૂતોનું કહેવું છે કે લોન લઈને દિવસે-રાત મહેનત કરીને ઉગાડેલો પાક હવે વરસાદના કારણે નાશ પામ્યો છે. ખેતરમાં ઉભેલો પાક તેમજ કાપેલો પાક, બંને બગડી ગયા છે. આ પરિસ્થિતિએ ખેડૂતોને આર્થિક તેમજ માનસિક આઘાત પહોંચાડ્યો છે.હાલમાં ખેડૂત વર્ગ હવે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યો છે. તેમની માંગ છે કે તાત્કાલિક પાક નુકસાનનું સર્વેક્ષણ કરી યોગ્ય સહાય જાહેર કરવામાં આવે, જેથી દેવાના ભાર હેઠળ દબાયેલા ખેડૂતોને થોડી રાહત મળી શકે. ડભોઈ, વાઘોડિયા સહિત વડોદરા જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદના કારણે ડાંગર, કપાસ અને દિવેલાના પાકને ભારે નુકસાન થયાની માહિતી મળી રહી છે. કુદરતના આ કસોટી સમયે ખેડૂતો સરકારે સહાય અને સહકાર આપવાની માંગ કરી રહ્યા છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
