રાજકોટની વીરાંગનાઓનો તલવાર રાસ
શૌર્યના પ્રતિક સમાન ગણાતા તલવાર રાસમાં લોકોને મંત્રમુગ્ધ કર્યા..
નવરાત્રીના ત્રીજા નોરતે પણ રાજકોટના ગરબા ગ્રાઉન્ડમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જુદા જુદા ક્લબોમાં ગરબાના આયોજનો થયા હતા, જ્યાં સંગીતના તાલે અને પારંપરિક સ્ટેપ સાથે ખેલૈયાઓ અને દર્શકો ગરબાની મજા માણી હતી.
નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે રાજકોટમાં ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. રાજકોટના રાજવી પરિવારના આંગણે રણજિત વિલાસ પેલેસ ખાતે ક્ષત્રિય સમાજની બહેનો માટે ખાસ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહેનોએ થાળી રાસ અને ખાસ કરીને તલવાર રાસ રજૂ કરીને શૌર્ય અને પરંપરાનો પરિચય કરાવ્યો હતો. એક સાથે ત્રણ જીપ અને બાઇકમાં સવાર થઈને ક્ષત્રિય બહેનોએ બંને હાથમાં તલવાર લઈને રાસ રજૂ કર્યો, જે દર્શકો માટે અનોખો અનુભવ રહ્યો હતો. આ પ્રસંગે રાજકોટના ઠાકોર સાહેબ માધાતાસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. રાજકોટના મવડી ચોક વિસ્તારમાં આવેલા શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન થાય છે. અહીં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે સળગતી ઈંઢોળીનો રાસ. આ રાસમાં 6 બાળાઓ પોતાના માથે સળગતી ઈંઢોળી, હાથમાં મશાલ અને સળગતો ગરબો લઈને ગરબે ઘૂમે છે. 20 મિનિટ સુધી અગ્નિને પોતાના મસ્તક પર ધારણ કરતી આ બાળાઓને જોઈને ભક્તોને સાક્ષાત નવદુર્ગા ગરબે રમતા હોય તેવી અનુભૂતિ થાય છે. આ અદભૂત દૃશ્ય શક્તિ અને ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
