સુરતમાં સગર્ભા મહિલાની વ્હારે આવ્યો ફાયર વિભાગ
શહેરના ગીતાનગરમાં સગર્ભા મહિલાનું રેસ્ક્યુ,
બોટમાં બેસાડી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાઈ
સુરતમાં સતત ત્રણ દિવસથી ખાડી પુરની સ્થિતિને લઈ અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે ત્યારે સિમાડા ખાતે આવેલ ગીતા નગરમાં સગર્ભા મહિલાને ફાયરના જવાનો હોસ્પિટલે ખસેડી હતી.
સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસતાં શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે સુરતના સીમાડા વિસ્તારમાં ફરી એકવાર ખાડી પૂરનો પ્રકોપ જોવા મળ્યો છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી ખાડીપૂરના પાણીમાં ગળાડૂબ ગીતાનગર વિસ્તારમાં આજે 26 જૂન ગુરૂવારના રોજ પણ ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. જ્યાં એક 8 માસની સગર્ભા મહિલાની અચાનક તબિયત લથડતા અને પીડા શરૂ થતાં તંત્રને જાણ કરાઈ હતી. ગૌરીબેનને પીડા શરૂ થતાં અને તબિયત લથડતા પરિવાર માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો. ચારે બાજુ પાણી ભરાયેલા હોવાથી હોસ્પિટલ પહોંચવું અશક્ય બની ગયું હતું. જેથી તાત્કાલિક જ પરિવાર દ્વારા સ્થાનિક તંત્રને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ તુરંત જ સક્રિય થઈ હતી. સમયનો બગાડ કર્યા વિના ફાયર વિભાગના જવાનો બોટ લઈને સંદીપભાઈના ઘરે પહોંચ્યા હતા. ત્રણથી ચાર ફૂટ ઊંડા પાણીમાં બોટ મારફતે પહોંચીને જવાનોએ અત્યંત સાવચેતીપૂર્વક ગૌરીબેનને બોટમાં બેસાડ્યા હતા. પાણીની ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ ફાયર વિભાગની ટીમે પોતાની ફરજ બજાવીને ગૌરીબેનને સુરક્ષિત રીતે પર્વત પાટિયાની શ્રીજી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હોસ્પિટલમાં તબીબો દ્વારા ગૌરીબેનની તાત્કાલિક સારવાર શરૂ કરાઈ હતી. તો ડોક્ટરોએ જણાવ્યું હતુ કે હાલ ગૌરીબેનની સ્થિતિ સામાન્ય છે.