ગીર સોમનાથ ઉનાના ભાચા ગામમાં શાહી નદીના પુલનું ધોવાણ
પુલનું ધોવાણ થતાં સ્થાનિકોની મુશ્કેલી વધી
ગામના 30 પરિવારો સમસ્યાનો સામનો કરવા થયા મજબૂર
ગુજરાતમાં વિકાસના દાવાઓ વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા નજીકના ભાચા ગામના લોકો આજે પણ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. ગામથી આશરે 10 કિલોમીટર દૂર આવેલા સામા કાઠા વિસ્તારમાં રહેતા 35થી 40 પરિવારોને રોજિંદા અવરજવર માટે જીવ જોખમમાં મૂકી નદી પાર કરવી પડે છે.
જાણીને નવાઇ લાગશે કે ગીર સોમનાથ જિલ્લાના આ વિસ્તારના લોકો માટે શાહી નદી મોટી મુશ્કેલી બની છે. નદી પાર કરવા માટે પુલ ન હોવાને કારણે પરિવારો અને ખાસ કરીને બાળકોને ટ્યુબમાં દોરડા બાંધી નદી પાર કરવી પડે છે. વરસાદી મોસમમાં જ્યારે નદીમાં પુર આવે છે, ત્યારે સ્થિતિ વધુ ખરાબ બની જાય છે. બાળકો અભ્યાસથી વંચિત રહે છે, તો બીજી બાજુ બીમારી કે પ્રસુતિ જેવા સંજોગોમાં લોકો મોટી મુશ્કેલીમાં ફસાય છે. નદીના સામા કાઠા વિસ્તારમાં માત્ર અવરજવર જ નહીં, પરંતુ રાત્રે પ્રકાશની કોઈ વ્યવસ્થા પણ નથી. લાઇટ ન હોવાને કારણે સિંહ અને દીપડાં જેવા જંગલી પ્રાણીઓનો સતત ભય રહે છે. થોડા સમય પહેલા જ એક દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો અને તેનો જીવ લઈ લીધો હતો. આ ઘટનાએ અહીંના લોકોમાં ભયનું વાતાવરણ વધારે ઊંભું કર્યું છે. શાહી નદી પર વર્ષ 1990માં વન વિભાગની વોટરશેડ યોજના હેઠળ એક પુલ બનાવાયો હતો. પરંતુ આ પુલ ઘણા વર્ષો પહેલા તૂટી પડ્યો હતો. છેલ્લા 5 વર્ષથી આ કોઝવે તૂટી જવાના કારણે ગામના લોકો જોખમ સાથે જીવતા થયા છે. ચોમાસા દરમિયાન પાણીના પ્રવાહને કારણે બાળકો અભ્યાસથી વંચિત રહે છે અને ગામમાં ફસાઈ જાય છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ વર્ષોથી પુલના સમારકામ અથવા નવા પુલ માટે રજૂઆત કરી રહ્યા છે, પણ તંત્ર કે લોકપ્રતિનિધિઓ તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. લોકો કહે છે કે વિકાસના નારા વચ્ચે પણ તેમની હાલત કોઈ સાંભળતું નથી. હાલની સ્થિતિ એવી છે કે વરસાદી મોસમમાં લોકો 2 થી 3 ફૂટ પાણીમાંથી પસાર થઈને જીવ જોખમે અવરજવર કરે છે. લોકોની સ્પષ્ટ માગ છે કે તૂટી ગયેલા કોઝવેનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ અથવા તો નવો પુલ બાંધવો જોઈએ. નહીં તો આ પરિસ્થિતિ ગામના લોકો માટે સતત જીવલેણ સાબિત થઈ શકે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
