સુરતમાં વાર્ષિક ઉર્સ મહોત્સવની ઉજવણી ધામધૂમથી શરૂ થઈ
દરગાહ પરિસરમાં આવેલા લોકોનું સન્માન કરાયુ
સુરતના બડેખા ચકલા પાસે ખ્યાતનામ સૂફી સંત હજરત ખ્વાજા દાના રહમતુલ્લાહ અલૈહની દરગાહ પર ઉર્સની ઉજવણી શરૂ થઈ છે. દરગાહ પરિસરમાં આવેલા લોકોનું સન્માન કરાયુ હતું.
સુરતના બડેખા ચકલા સ્થિત ઐતિહાસિક સૂફી સંત હજરત ખ્વાજા દાનાની દરગાહ શરીફ પર વાર્ષિક ઉર્સ મહોત્સવની ઉજવણી ધામધૂમથી શરૂ થઈ છે. રવિવારે સાંજે પરંપરાગત રીતે પરચમ ફરકાવી ઉર્સની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે બરોડાથી પધારેલા રિફાઈ ગાદીનશીન એ લોકોને ભાઈચારા, સાંપ્રદાયિક સદ્ભાવ અને કોમી એકતાનો પ્રેરક સંદેશ આપ્યો હતો. તેમણે સૂફી સંપ્રદાયના સિદ્ધાંતો જેવા કે પ્રેમ, શાંતિ અને સેવાભાવને વ્યવહારિક જીવનમાં અપનાવવાનો આહ્વાન કર્યો હતો. ઉર્સના પ્રથમ દિવસે રાત્રે 10 વાગ્યે દરગાહ પર ઉપસ્થિત અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આગામી કેટલાક દિવસો સુધી દરગાહ પર ધાર્મિક પ્રવચનો, નાત કલામ, સમાજસેવા કાર્યક્રમો અને લોકજમાવડાનું આયોજન થશે. ઉલ્લેખનીય છે કે, હજરત ખ્વાજા દાનાની દરગાહ સર્વધર્મીય ભાઈચારા અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર રહી છે. ઉર્સ દરમિયાન હજારો યાત્રીઓ અહીં શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે.
