સુરતમાં પોલીસથી બચવા આરોપી તાપી નદીમાં કૂદી ભાગ્યો
નદીની વચ્ચે ટાપુ પર કોથળામાં વીંટાઈને ઝાડીઓમાં સંતાઈ રહ્યો
4 કલાકે ડ્રોનની મદદથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
સુરતમાં ચોરીના ગુનામાં પોલીસે ઝડપી પાડેલો આરોપી ભાગીને તાપી નદીમાં કૂદી ગયો હતો. કોઝ-વે પરના પાળા પરથી લઈ જતા સમયે આરોપી તકનો લાભ લઈને ભાગી ગયો હતો. આરોપી પાળા પરથી પાણીમાં કૂદ્યા બાદ તાપી નદીની વચ્ચે આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો. જોકે, ચાર કલાકની શોધખોળ બાદ પોલીસે તાપી નદીની વચ્ચે આવેલા ટાપુમાં સંતાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે.
સુરતની અમરોલી પોલીસે ચોરીના ગુનામં એક આરોપીને ઝડપ્યો હતો. જે આરોપી તાપી નદીના પાળા પરથી પોલીસને ચકમો આપી નદીમાં કુદી નદી પર આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો. જેને લઈ ક્રાઈમ બ્રાન્ચ અને ફાયરની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ફાયર બ્રિગેડની ટીમને બોલાવી લેવાઈ હતી. અને ફાયર બ્રિગેડ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસી બેટ ઉપર જઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બેટ ઉપર પુષ્કળ પ્રમાણમાં ઝાડી ઝાંખરા, ખાડા, ટેકરા, કાદવ-કીચડ હોવાથી આરોપી શખસ મળી આવતો નહોતો. ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ જેમાં ચાર કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી આરોપીની શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી હતી. પકડાયેલ આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરૂભાઇ સરવૈયાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. આરોપી મુકેશ વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુન્હો નોંધાયેલો છે.