સુરત એસઓજીની ટીમે ફરાર આરોપીને ઝડપી પાડ્યો
આરોપી વિરુદ્ધ 20 ગુનાઓનો નોંધાયેલો છે
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની એસઓજીની ટીમે અગાઉ ઝડપાયેલા લાખોના ગાંજાના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. તો ઝડપાયેલો આરોપી ગાંજા વેચાણથી લઈને હત્યા સુધીના 20 ગુનાઓનો ઈતિહાસ ધરાવતો હોવાનુ પણ સામે આવ્યુ છે.
સુરતની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે ઘણા સમયથી ગાંજાના ગુનામાં નાસ્તા ફરતા માથાભારે ઈમરાન ઉર્ફે મુડી સાહબુદ્દીન ઉસ્માનીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલો ઈમરાન ઉર્ફે મુડી સાહબુદ્દીન ઉસ્માની ને શાલીમાર વિસ્તારમાં આવેલ રેલ્વે બ્રિજ નીચેથી ઝડપી પાડ્યો હતો. જેની પુછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે ગત 28 એપ્રિલના રોજ ઉન પાટિયા તિરૂપતિ નગર વિસ્તારમાં હેલ્લો મોબાઈલ દુકાન પાસેથી સોહેલ મન્સુરીને પોલીસે 1 લાખ 86 હજારથી વધુના ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. જે ગાંજાનો જથ્થો ઈમરાન મુડીએ જ તેને આપ્યો હોવાનુ બહાર આવ્યુ હતું. જેથી પોતે ધરપકડથી બચવા ભાગતો ફરતો હતો. પોલીસે ઝડપાયેલા ઈમરાન મુડીની પુછપરછ કરતા ગાંજા વેચાણથી લઈ હત્યા સુધીના 20 જેટલા ગુનાઓમાં તે ઝડપાયો હોવાની પણ કબુલાત કરી હતી. હાલ તો એસોજીએ આરોપી ઈમરાન મુડીની વધુ તપાસ હાથ ધરી છે.