કડી અંડરપાસમાં સ્કોર્પિયો ડૂબતા એકનું મોત અને 6 નું રેસ્ક્યુ
દ્વારકા જિલ્લામાં પોણા ત્રણ ઇંચ,
માળિયાહાટિના – જામજોધપુરમાં પોણા બે ઇંચ વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રવિવારે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં ભારે વરસાદને પગલે મોડી રાત્રે કડીના થોળ રોડ પર આવેલ અંડરપાસમાં પાણી ભરાતા એક ડમ્પર અને ત્રણ કાર ફસાઇ હતી.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રવિવારે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે ત્યારે કડીના પ્રાંત અધિકારી આશિષ મિયત્રાએ જણાવ્યું હતું કે, વરસાદને પગલે કડી શહેરમાં આવેલ અંડરપાસમાં પાણી ભરાયું હતું. જેથી બેરીકેડિંગ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ કોઇ અજાણ્યા વાહનચાલકે એ બેરીકેડ હટાવી દીધું હતું. જેથી ત્રણ કાર અને એક ડમ્પર અંડરપાસના પાણીમાં ફસાઇ ગયા હતા. રેસ્ક્યુ કામગીરી દરમિયાન 6 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
રાજ્યમાં આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 72 મિમિ વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદને પગલે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાથી ઊભો પાક બરબાદ થઈ રહ્યો છે. જેને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.