સુરત નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદનો કહેર

Featured Video Play Icon
Spread the love

સુરત નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદનો કહેર
કમોસમી વરસાદથી કેરીના પાકને 40 ટકા નુકસાન
ભાવ વધવાની શક્યતા, ઝાડ પર રહેલા ફળો પણ સડવાની ભીતિ
સરવે કરી વળતર ચુકવવા ખેડૂતોની માગ

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતો સામે મોટું આર્થિક સંકટ ઊભું થયું છે. ખાસ કેરીના પાક પર આ અકાળે આવેલા વરસાદે ગંભીર અસર કરી છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે, હાલ કેરીના ફળો સંપૂર્ણ પાકવાની અવસ્થામાં હતા, પણ અચાનક આવેલા પવન અને વરસાદના કારણે મોટી સંખ્યામાં ફળો ઝાડ પરથી પડી ગયા છે.

સુરત જિલ્લાના ખેડૂતે આ વર્ષે સારા પાકની આશા રાખી હતી, પણ આ અચાનક બદલાયેલા મોસમે ખેડૂતોની આખી મહેનત વ્યર્થ કરી નાખી છે. હવે બજારમાં કેરી ઓછી મળશે અને ભાવ વધી શકે છે. ખેડૂતોના કહેવા મુજબ કેરીના પાકને લગભગ 30થી 40 ટકા સુધી નુકસાન થયું છે. જે ફળો ઝાડ પરથી પડી ગયા છે તે તો નષ્ટ થયાં છે, જ્યારે ઝાડ પર રહેલા ફળોમાં પણ હવે સડવાની ભીતિ વધી છે. ઘણા વિસ્તારોમાં કેરીના ખેતરોમાં પાણી ભરાતા પણ ફળોની ગુણવત્તા પર ખરાબ અસર પડી છે. ખેડૂત આગેવાન અને કોંગ્રેસ નેતા દર્શન દેસાઈએ જણાવ્યું હતું કે, અચાનક બદલાયેલા મોસમના કારણે દક્ષિણ ગુજરાતમાં ચીકુ, કેરી, ઊભા પાકને ગંભીર નુકસાન થયું છે. આ સમય એવો હતો જ્યારે કેરી સંપૂર્ણ રીતે તૈયાર હતી, પણ ઉતારતા પહેલા જ પવન અને વરસાદના કારણે મોટી સંખ્યામાં કેરીના ફળો પડી ગયા હતાં. ખેડૂતોએ હવે રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનું સર્વેક્ષણ કરાવીને યોગ્ય વળતર આપવામાં આવે. સાથે કૃષિ વિભાગ પાસેથી પણ સલાહ માગવામાં આવી છે કે હાલ ખેતરમાં ઉભા પાકને કેવી રીતે બચાવવો. હાલમાં રાહતની વાત એ છે કે વરસાદે ધાનના પાક પર કોઈ ખાસ નકારાત્મક અસર પહોંચાડી નથી. ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ નથી. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસમાં વરસાદની તીવ્રતા ઓછી થવાની શક્યતા છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મોસમની અનિશ્ચિતતાએ ખેડૂતોના પાક પર સતત પ્રભાવ પાડ્યો છે, જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર પણ ભારે દબાણ વધી રહ્યું છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવી પરિસ્થિતિમાં હવે ખેતીને હવામાનના બદલાવને અનુકૂળ બનાવવાના લાંબા ગાળાના આયોજનની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *