સુરત કતારગામ ગજેરા સ્કૂલની શિક્ષિકાના ઘરમાં ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરત કતારગામ ગજેરા સ્કૂલની શિક્ષિકાના ઘરમાં ચોરી
ભાડુઆત મહિલા 17.77 લાખ રૂપિયાની કિંમતના 15 તોલા દાગીના ચોરી ગઈ
પુત્રવધૂને કરિયાવરમાં દાગીના આપવા હાથફેરો

સુરત કતારગામ ગજેરા સ્કૂલની શિક્ષિકાના ઘરમાં ત્રણ મહિના પહેલાં રહેવા આવેલી ભાડુઆત મહિલા 17.77 લાખ રૂપિયાની કિંમતના 15 તોલા દાગીના ચોરી ગઈ હતી. સમગ્ર મામલે કતારગામ પોલીસે હાથફેરો કરનાર મહિલાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

સુરતના કતારગામ પોલીસ મથકમાં કતારગામ ખાતે આવેલ કંટેશ્વર સોસાયટીમાં રહેતી શિલ્પાબેન અરવિંદ પદમાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે તેઓના ઘરમાંથી 15 તોલા દાગીના ચોરીથઈ છે. શિક્ષિકાની ફરિયાદ પ્રમાણે પતિ સચિનમાં કાપડનું કારખાનું ચલાવે છે. પુત્ર 12મા ધોરણમાં અભ્યાસ કરે છે. પહેલો અને બીજો માળ ભાડે આપ્યો છે. ગત 21મી એપ્રિલે રામકથા રોડ ઉપર જેઠની પુત્રીની ચાંદલો વિધિમાં જવા માટે કબાટ ખોલતાં તેમાંથી 17.77 લાખ રૂપિયાની કિંમતના 15 તોલા દાગીના ચોરી થઈ ગયા હતા. છેલ્લે 28મી માર્ચે દાગીના કબાટમાં જોયા હતા. મકાનનું તાળું પણ તૂટ્યું નહિ હોઈ કોઈ જાણભેદુ જ ચોરી કર્યાની શંકા સાથે ઇન્સ્પેક્ટર એલ.આર. ગોહિલ અને સબ ઈન્સ્પેક્ટર એન.એસ. સાકરીયાએ તપાસનો દોર આગળ લંબાવ્યો હતો.

બીજા માળનું ભાડુઆત આઠ વર્ષથી અને પહેલાં માળે રહેતું ભાડુઆત ત્રણ મહિના પહેલાં જ રહેવા આવ્યું હતું. બંને ભાડુઆતના પરિવારની પણ પોલીસ મથકે લાવી પૂછપરછ કરવામાં આવતી હતી. દરમિયાન ત્રણ મહિના પહેલાં રહેવા આવેલાં ટાંક પરિવારની મુખ્ય મહિલા ઉષાબેન નીતિન ટાંકના મોબાઈલ ફોન ચેક કરતાં તેણે 30મી માર્ચથી પહેલી એપ્રિલ સુધીનાં ડેટા ડિલીટ કર્યા હોઈ તે શંકાના દાયરામાં આવી હતી. સખ્તાઈથી પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી. દંપતી રોજ તેમનાં કામે જતું રહેતું હતું. બપોરે તેમનો પુત્ર ટ્યૂશન જતો ત્યારે મકાનને તાળું મારી જતો હતો. આ ત્રણ દિવસ દરમિયાન પુત્રએ મુખ્ય દરવાજાને તાળું તો માર્યું હતું પરંતુ સીડીને અડીને આવેલા બીજા રૂમને તાળું નહિ માર્યું હોઈ તે અંદર ઘૂસી ગઇ હતી અને દાગીના ચોરી લીધા હતા. ઉષાએ વધુમાં કરેલી કબૂલાત પ્રમાણે તેનાં બે પુત્ર પૈકી એક પુત્રએ થોડાક સમય પહેલાં જ લગ્ન કર્યા હતા. પુત્રવધૂને કરિયાવરમાં દાગીના આપવા કામ લાગશે તેવું વિચારી હાથફેરો કર્યો હતો.હાલ કતારગામ પોલીસે ઉષા ટાંકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *