લીંબડીના ભથાણ ગામમાં પીવાના પાણીમાં ગટરનું પાણી
એક મહિનાથી પીવાના પાણીમાં ગટરના ગંદા પાણીનું મિશ્રણ
ગટરનું પાણી ભળતા ગ્રામજનોમાં ભારે આક્રોશ
લીંબડીના ભથાણ ગામમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ત્યારે રોગચાળાની ભીતિ સાથે છેલ્લા એક મહિનાથી પીવાના પાણીમાં ગટરના ગંદા પાણીનું મિશ્રણથી લોકો પરેશાન
લીંબડી તાલુકાના ભથાણ ગામમાં છેલ્લા એક મહિનાથી પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇનમાં ગટરનું દૂષિત પાણી મિક્સ થઈને આવતું હોવાની ગંભીર સમસ્યા સામે આવી છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે ગ્રામજનો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી આવી રહેલા ગંદા અને દુર્ગંધયુક્ત પાણીના કારણે ગામમાં ઝાડા-ઊલટી, કમળો, ટાઈફોઈડ અને ચામડીના રોગો જેવી અનેક જીવલેણ બીમારીઓ ફેલાવવાનો ભય પેદા થયો છે. નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર આની ગંભીર અસર પડી રહી છે. આ બાબતે ઉચ્ચ કક્ષાએથી વહેલી તકે તપાસ કરી ભથાણ ગામના નાગરિકોના આરોગ્ય સાથે થતા ચેડાં અટકાવવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
તંત્રની આંખ આડા કાન: ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
નાગરિકોમાં આક્રોશ: ગામના લોકોએ રોષે ભરાઈને ચીમકી આપી છે કે જો આ દૂષિત પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગ્રામજનોની માંગ: “અમને તાત્કાલિક ધોરણે પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવે અને જે જગ્યાએ લાઈન લીકેજ છે તેનું યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવે.”
