સુરતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા નદી જેવા દ્રશ્યો
અડાજણ વિસ્તારમાં રોડ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા
ડામરનો રોડ તૂટી ગયો અને પાણી ધોધમાર રીતે રસ્તા પર વહેવા લાગ્યું
ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા જ સુરતના અડાજણ વિસ્તારમાં રોડ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. અડાજણ વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા ડામરનો રોડ તૂટી ગયો અને પાણી ધોધમાર રીતે રસ્તા પર વહેવા લાગ્યું હતું.
સુરત શહેરમાં ચોમાસા પૂર્વે મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ સફાઈ, રોડ મરામત અને વિવિધ સુવિધાઓને મજબૂત બનાવવાના દાવા વચ્ચે અડાજણ વિસ્તારમાં બનેલી ઘટના તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભો કરી રહી છે. અડાજણ વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈનમાં અચાનક મોટું ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે. પાણીનું પ્રેશર એટલું જબરદસ્ત હતું કે પાકા ડામરનો રોડ પણ તૂટી ગયો અને પળવારમાં સમગ્ર વિસ્તાર પાણીથી છલકાઈ ઉઠ્યો હતો. ઘટનાના દ્રશ્યો એવા હતા કે જાણે રોડ પર નદી વહેતી હોય. પાણીના જોરદાર પ્રવાહને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
