સુરતમાં ‘પિંક સર્કલ મીટ’નું આયોજન,
બ્રેસ્ટ કેન્સર સામે જાગૃતિનો સંદેશ
સુરતમાં બ્રેસ્ટ કેન્સર સામે જાગૃતિ અને સર્વાઇવર મહિલાઓના હિંમતને સલામ કરવા માટે ખાસ પિંક સર્કલ મીટનું આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમમાં મહિલાઓએ પિંક પ્લેજ લઈને બ્રેસ્ટ કેન્સરના ચેતવણી સંકેતોને અવગણ્યા વગર સમયસર તપાસ અને સારવાર કરાવવાનો સંકલ્પ કર્યો હતો.
સુરતમાં નમન બ્રેસ્ટ એન્ડ કેન્સર ક્લિનિક દ્વારા નમન પિંક સર્કલ મીટ-ચેપ્ટર 1 2026નું આયોજન કરાયુ હતું. વેસુના હેપ્પી એક્સેલેન્સિયા બેન્ક્વેટ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં બ્રેસ્ટ કેન્સરમાંથી સ્વસ્થ થયેલી સર્વાઇવર મહિલાઓ, દર્દીઓ, પરિવારજનો, ડોક્ટર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સ સહિત અનેક મહિલાઓ જોડાઈ હતી. કાર્યક્રમ દરમિયાન બ્રેસ્ટ કેન્સરના પ્રારંભિક સંકેતો ઓળખવા, સમયસર તપાસ કરાવવા અને સારવાર દરમિયાન સકારાત્મક અભિગમ જાળવી રાખવા અંગે જાગૃતિ ફેલાવાઈ હતી. સર્વાઇવર મહિલાઓએ પોતાની કેન્સર યાત્રાના અનુભવો પણ શેર કર્યા હતાં. કાર્યક્રમનું ખાસ આકર્ષણ ધ પિંક પ્લેજ રહ્યુ હતું. મહિલાઓએ શરીરમાં થતા ફેરફારો અને કેન્સરના ચેતવણી સંકેતોને અવગણવા નહીં, સમયસર સ્ક્રીનિંગ કરાવવું, કેન્સર સામે ઝઝૂમી રહેલા લોકોનો સાથ આપવો અને આશા નહીં છોડવાનો સંકલ્પ લીધો હતો. ડો. પ્રિયાંશ જૈને બ્રેસ્ટ કેન્સરની સર્જરી અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે દરેક કિસ્સામાં બ્રેસ્ટ કાઢવી પડે તે જરૂરી નથી. કેટલાક દર્દીઓમાં બ્રેસ્ટ કન્ઝર્વેશન અને ઓન્કોપ્લાસ્ટિક સર્જરી જેવા વિકલ્પો ઉપલબ્ધ હોઈ શકે છે. જાગૃતિ સાથે મહિલાઓ માટે પિંક મ્યુઝિકલ હાઉઝી અને વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું હતું. ગેમ્સના વિજેતાઓને ભેટ આપવામાં આવી અને કાર્યક્રમના અંતે હાઇ-ટીનું આયોજન કરાયુ હતું.
