સિદસર-લીલા સર્કલ રોડ પર ડ્રેનેજની અધૂરી કામગીરીથી અકસ્માતનો ભય
ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગો પર ફરી વળતાં સ્થાનિકો પરેશાન
ખુલ્લી ડ્રેનેજ લાઈન બાળકો, વડીલો અને પશુઓ માટે જોખમી બની
ભાવનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા શહેરના લીલા સર્કલથી સિદસર ગામ તરફ જવાના રોડ પર આજથી ત્રણ મહિના પહેલા ડ્રેનેજ લાઈન અંગે કોઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ ત્રણ માસ વિતવા છતાં હજુ સુધી કામગીરી પૂર્ણ કરવામાં ન આવતા ડ્રેનેજ લાઈનની ખુલ્લી ગટરો ને લઈને મોટી જાનહાની સર્જાવાની સંભાવના પ્રબળ બની રહી છે.
ભાવનગરમાં મહાનગરપાલિકાના ડ્રેનેજ અને વોટર વર્કસ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવતી ભૂગર્ભ ની લાઈન પાથરવાની તથા રીપેરીંગ અંગેની કામગીરી સમયસર ન થતી હોવાની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠવા પામી છે ત્યારે વધુ એક આવી ગંભીર અને જોખમી ફરિયાદ લોકોએ કરી છે જેમાં લીલા સર્કલથી સિદસર ગામ તરફ જવાના રોડ પર લક્ષ્મીનગર પાસે ડ્રેનેજ વિભાગ દ્વારા ભુગળ ડ્રેનેજ લાઈન ની કોઈ કામગીરી કરવા માટે આજથી ત્રણ મહિના પહેલા ડ્રેનેજ લાઈનનું ખોદકામ કરવામાં આવ્યું હતું. પરંતુ લાંબો સમય પસાર થવા છતાં હજુ સુધી કામગીરી પૂર્ણ કરી નથી અને રોડને અડીને જ મોટા ખાડા ખોદવામાં આવ્યા છે આ ખાડામાંથી ગટરનું દૂષિત પાણી રોડ પર વહી રહ્યું છે ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક રહીશો દ્વારા ડ્રેનેજ વિભાગ તથા સ્થાનિક કોર્પોરેટર ને અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી આ મામલે કોઈ જ પગલા લેવામાં નથી આવ્યા ગટરના ખુલ્લા ખાડામાં અવારનવાર રખડતા પશુઓ ખાબકે છે આ ઉપરાંત બાળકો અને વડીલો માટે પણ આવા ખાડા અત્યંત જોખમી સાબિત થઈ રહ્યા છે ત્યારે તંત્રની અધુરી કામગીરીના કારણે કોઈ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થશે કે જીવ જશે તો તેના માટે જવાબદારી કોની રહેશે તેવા સવાલો સ્થાનિક રહીશો કરી રહ્યા છે અને આ કામગીરી વહેલી સાથે પૂર્ણ કરવા માંગ કરી રહ્યા છે.
