સુરતમાં કુખ્યાત સમીર માંડવા પર જાહેરમાં ફાયરિંગ
અંગત અદાવતમાં 4 લોકોએ હુમલો કર્યાની આશંકા,
પોલીસ સમીરની ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવી ચૂકી છે
સુરતમાં ગુનાખોરીની દુનિયામાં માથાભારે સમીર માંડવા પર ચાર શખ્સે જાહેર રસ્તા પર ફાયરિંગ કર્યું હતું. હુમલાના સમયે સમીર માંડવા રસ્તા પર ઊભો હતો. જોકે તેને કોઈ ઈજા થઈ ન હતી. તો તાજેતરમાં થયેલી જૂની અદાવતના કારણે તેને નિશાન બનાવવામાં આવ્યો હોવાનું પોલીસના પ્રાથમિક અનુમાનમાં સામે આવ્યું છે.
લાલગેટ પોલીસ મથકની હદમાં થયેલા આ ફાયરિંગ મામલે નોંધાયેલ ફરિયાદ મુજબ, ત્રણથી ચાર શખ્સ રસ્તા પર આવ્યા અને સમીર માંડવા તરફ સીધું ફાયરિંગ કર્યું હતુ. હુમલાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનામાં સમીરને કોઈ ઇજા થઈ નહોતી. પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને ફાયરિંગ બાદ મળી આવેલી બુલેટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે. સમીર માંડવા સામે લૂંટ, ધમકી, મારામારી જેવા ગંભીર ગુનાઓના અનેક કેસો લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં નોંધાઈ ચૂક્યા છે. પોલીસની ફાઇલોમાં તેનો ગુનાહિત ઇતિહાસ ભારે છે અને તેણે ઘણા વખતથી અપરાધિક પ્રવૃત્તિઓ દ્વારા કાયદાનું ઉલંઘન કર્યું છે. પોલીસે અગાઉ સમીર માંડવા સામે એક મોટું પગલું ભર્યું હતું, તેની લાલગેટ વિસ્તારમાં આવેલી ગેરકાયદે મિલકત પર બૂલડોઝર ચલાવ્યું હતું. શહેર પોલીસ દ્વારા ચાલતી માફિયા-મુક્તિ અભિયાન હેઠળ તેની સંપત્તિને નષ્ટ કરવામાં આવી હતી. હાલની ફાયરિંગની ઘટનાનું કારણ સમીર માંડવાની જૂની અદાવત હોઈ શકે છે. હાલ આરોપીઓ હજુ સુધી પકડાયા નથી, પરંતુ પોલીસે દાવો કર્યો છે કે શંકાસ્પદ ઈસમોને ઓળખી લેવાયા છે અને ટૂંક સમયમાં ધરપકડ શક્ય છે.