રાજકોટમાં હીટવેવને લઈ મનપા તંત્ર એક્શન મોડમાં
આરોગ્ય વિભાગે 1.5 લાખ મોબાઈલ નંબર પર મોકલ્યા એલર્ટ મેસેજ
કન્સ્ટ્રક્શન સાઇટ પર 1 થી 4 વાગ્યા સુધી કામ પર પ્રતિબંધ
રાજકોટમાં આકરી ગરમીને પગલે મનપાએ નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. બપોરે 1 થી 4 બહાર ન નીકળવા અને કુદરતી પીણાં લેવા રાજકોટ મનપા દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, અને હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. આ આકરી ગરમી સામે નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને રાજકોટ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે. રાજકોટ મનપા દ્વારા વોટ્સએપના માધ્યમથી શહેરના નાગરિકો માટે એક ખાસ હેલ્થ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, RMC દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, નાગરિકોને ખાસ કરીને બપોરે 1 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સૂર્યના કિરણો સીધા અને અત્યંત ગરમ હોવાથી હીટ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. ખાસ કરીને સગર્ભા મહિલાઓ, વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓએ આ સમયે વિશેષ સાવચેતી રાખવી અનિવાર્ય છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ એડવાઈઝરી દરેક નાગરિક સુધી પહોંચે તે માટે સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપનો સહારો લેવામાં આવ્યો છે. રાજકોટ મનપાએ જણાવ્યું છે કે, જો કોઈ વ્યક્તિને લૂ લાગવાના લક્ષણો (જેમ કે ચક્કર આવવા, ઉલટી થવી કે અતિશય તાવ) જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
